JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ટાટા સન્સ અને ટ્રસ્ટ્સ વચ્ચે વિવાદ ઘાતક વળાંકે, ચેરમેનના કાસ્ટિંગ વોટ સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી

ટાટા સન્સ અને ટ્રસ્ટ્સ વચ્ચે વિવાદ ઘાતક વળાંકે, ચેરમેનના કાસ્ટિંગ વોટ સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી
સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને આર.ડી. ટાટા ટ્રસ્ટે આગામી બોર્ડ મીટિંગમાં ચેરમેનના કાસ્ટિંગ વોટના ઉપયોગને રોકવા માટે બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. આ કાનૂની લડાઈથી દેશના સૌથી મોટા કોર્પોરેટ જૂથમાં ગવર્નન્સ અને કંટ્રોલનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.

ટાટા સન્સની માલિકી અને સંચાલન પર નિયંત્રણ મેળવવા માટે ચાલી રહેલા આંતરિક વિવાદમાં હવે નવો અને મોટો કાનૂની મોરચો ખૂલ્યો છે. સર દોરાબજી ટાટા ટ્રસ્ટ (SDTT) અને આર.ડી. ટાટા ટ્રસ્ટ (RDTT) દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં બે અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવી છે. ટ્રસ્ટ્સની માંગ છે કે આગામી ૩૦ નવેમ્બરના રોજ યોજાનારી બોર્ડ મીટિંગમાં ચેરમેન એન. ચંદ્રશેખરન અથવા અન્ય કોઈ પણ વ્યક્તિ દ્વારા 'કાસ્ટિંગ વોટ' (નિર્ણાયક મત) ના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ વિવાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટના વરિષ્ઠ વકીલો અભિષેક મનુ સિંઘવી અને જનક દ્વારકાદાસે તાત્કાલિક સુનાવણી માટે અદાલતમાં રજૂઆત કરી હતી, જેના પગલે ન્યાયાધીશ અભય આહુજા શુક્રવારે આ કેસની સુનાવણી હાથ ધરવા માટે સંમત થયા છે.

આ સમગ્ર વિવાદની શરૂઆત ગત ૧૭ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી બોર્ડ મીટિંગથી થઈ હતી, જ્યાં એન. ચંદ્રશેખરનની પુનઃનિમણૂક અંગેના પ્રસ્તાવ પર ટ્રસ્ટના બે નોમિની ડિરેક્ટર્સ વચ્ચે મતભેદ સર્જાતા ટાઈ (બરાબરી) થઈ હતી. આ સ્થિતિમાં સ્વતંત્ર ડિરેક્ટર હરીશ મનવાણીએ ચેરમેન તરીકે પોતાના કાસ્ટિંગ વોટનો ઉપયોગ કરીને પ્રસ્તાવને મંજૂર કરાવી લીધો હતો. ટ્રસ્ટ્સનો આરોપ છે કે આ પ્રક્રિયા કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિયેશન (નિયમાવલી) વિરુદ્ધ છે કારણ કે ટ્રસ્ટ્સના તમામ નોમિનીઓની સહમતિ વગર ચેરમેન આ રીતે કાસ્ટિંગ વોટ વાપરી શકે નહીં. ટ્રસ્ટ્સને એવી પ્રબળ આશંકા છે કે ૩૦ નવેમ્બરની મીટિંગમાં પણ કંપનીને પબ્લિક લિમિટેડમાં રૂપાંતરિત કરવા અને આઈપીઓ લાવવાના એજન્ડાને પાસ કરવા માટે આ જ રીતે કાસ્ટિંગ વોટનો દુરુપયોગ કરવામાં આવશે.

આ કાનૂની જંગ માત્ર નિર્ણાયક મત પૂરતી મર્યાદિત નથી, પરંતુ ટ્રસ્ટ્સે ચેરમેનની પુનઃનિમણૂકને ગેરકાયદે ઠેરવવાની સાથે કંપની અને બોર્ડ પાસે ૬૫ કરોડ રૂપિયાના નુકસાનની પણ માંગ કરી છે. ટ્રસ્ટ્સનું માનવું છે કે કંપનીના નિયમ ૧૨૧ મુજબ મુખ્ય નિર્ણયો માટે ટ્રસ્ટ્સના નોમિની ડિરેક્ટર્સની બહુમતી અનિવાર્ય છે અને ૧-૧ની સ્થિતિમાં કાસ્ટિંગ વોટ લાગુ પડી શકે નહીં. અગાઉ બંને ટ્રસ્ટ્સના બોર્ડમાં ૭૦ ટકાથી વધુ બહુમતીથી આ કાનૂની લડાઈ લડવાનો નિર્ણય લેવાયો હતો, જેમાં નોએલ ટાટા સહિતના અગ્રણી ટ્રસ્ટીઓની સંમતિ રહી છે. હવે સૌની નજર બોમ્બે હાઈકોર્ટના શુક્રવારના આદેશ પર છે, કારણ કે આ ચુકાદો ટાટા જૂથના ભવિષ્ય અને તેના સંચાલનની દિશા નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થશે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES