ગુજરાત સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રાજ્યમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથેડાં કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. આ મહાઅભિયાન અંતર્ગત ખાસ કરીને આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ બનાવતા તેમજ વેચતા એકમો ઉપરાંત મુખ્ય હાઈવે પર આવેલી હોટલો અને રેસ્ટોરાં પર સઘન દરોડા પાડવામાં આવ્યા હતા. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ તપાસ અભિયાન હેઠળ કુલ ૭૮૬ આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના એકમોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન ગ્રાહકો સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી ન થાય અને તેઓ સાચી વસ્તુ ખરીદી શકે તે માટે તમામ એકમોએ આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતા ફરજિયાત બોર્ડ લગાવવા માટે તાકીદ કરવામાં આવી છે.
આ ઓપરેશનનો વ્યાપ વધારીને હાઈવે પર આવેલી ૬૯૧ હોટલો અને રેસ્ટોરાંની પણ સઘન તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૧૭૫ જેટલી હોટલોના રસોડામાં અત્યંત ગંદકી, નબળી સ્વચ્છતા અને ખોરાક સાચવવાની અયોગ્ય પદ્ધતિઓ જોવા મળી હતી. તંત્ર દ્વારા આ તમામ અનિયમિતતા ધરાવતી હોટલોને તાત્કાલિક નોટિસ આપવામાં આવી હતી, જેના પગલે સંચાલકોએ જાતે જ સફાઈ અને સુધારાત્મક પગલાં લેવા માટે પોતાની હોટલો સ્વૈચ્છિક રીતે બંધ કરી દીધી હતી. બાકીની ૫૧૬ હોટલોના સંચાલકોને પણ હાઈજેનિક ધોરણો વધુ કડક બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તપાસ દરમિયાન જે હોટલોમાં શંકાસ્પદ અને અસુરક્ષિત ખાદ્ય સામગ્રી મળી આવી હતી, તે જ જગ્યાએ તેનો નાશ કરવામાં આવ્યો હતો અને ફૂડ સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
મંત્રીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો લેબ ટેસ્ટમાં નમૂના ફેલ જશે કે ગંભીર બેદરકારી સામે આવશે તો સંબંધિતો સામે કાયદેસરની કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. ભવિષ્યમાં ફૂડ પોઈઝનિંગ જેવી કોઈ ઘટના ઘટે કે અસ્વચ્છ ખોરાક પીરસવામાં આવે તો સીધી જવાબદારી હોટલ સંચાલકની રહેશે અને તેમની સામે કાયદાકીય ડંડો ઉગામવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ અભિયાન આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. આ સાથે જ પ્રશાસને સામાન્ય જનતાને પણ અપીલ કરી છે કે તેઓ હોટલોમાં ખાણી-પીણીની વસ્તુઓ અને રસોડાની સ્વચ્છતા બાબતે હંમેશાં જાગૃત રહે.
