અમદાવાદના અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પબ્લિક હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે હાલ રૂ. 588 કરોડના વિશાળ ખર્ચે 1800 બેડની અત્યાધુનિક જનરલ હોસ્પિટલનું નિર્માણ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. જૂની અને જર્જરિત ઇમારતોને તોડીને તેના સ્થાને ઊભી થઈ રહેલી આ નવી મેગા હોસ્પિટલના પ્રોજેક્ટને નિર્ધારિત સમયમર્યાદામાં જ પૂર્ણ કરવા સબંધિત તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. જો કે, હાલ બાંધકામ ચાલુ હોવાને કારણે અને જૂના બ્લોકનો કેટલોક હિસ્સો જ ઉપયોગમાં હોવાથી દર્દીઓ તેમજ તેમના સગા-સંબંધીઓને થોડી અગવડનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ રાજ્ય સરકારનો મુખ્ય હેતુ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નાગરિકોને વિશ્વ કક્ષાની તબીબી સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ કરાવવાનો છે.
મેડિસિટી કેમ્પસના અભિન્ન અંગ સમાન આ નવી ભવ્ય ઇમારત ડબલ બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 10 માળની વિશાળ સંરચના ધરાવતી હશે. આ પ્રોજેક્ટનું આયોજન એ રીતે કરવામાં આવ્યું છે કે દર્દીઓને એક જ છત હેઠળ ઓપીડીથી લઈને ઓપરેશન સુધીની તમામ સેવો સરળતાથી અને વગર વિલંબે મળી રહે, તેમજ આ બિલ્ડિંગને સીધું ટ્રોમા સેન્ટર સાથે પણ જોડવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રાકેશ જોશીના જણાવ્યા અનુસાર, આ નવી હોસ્પિટલમાં દર્દીઓની ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે 300 આઈ.સી.યુ. બેડ, 3 વી.આઈ.પી. રૂમ, 50 સ્પેશિયલ રૂમ અને 60 આઈસોલેશન બેડની વિશિષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, અહીં 14 અત્યાધુનિક ઓપરેશન થિયેટર તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં લેમિનાર એર ફ્લો, ઓ.ટી. પે-ડન્ટ, કંટ્રોલ પેનલ અને હેચ બોક્સ જેવી આધુનિક ટેકનોલોજીનો સમાવેશ થાય છે.
કોરોના મહામારી અને અન્ય ભવિષ્યની કોઈપણ આકસ્મિક પરિસ્થિતિઓમાંથી બોધપાઠ લઈને આ નવી હોસ્પિટલની રચનામાં વિશેષ કાળજી રાખવામાં આવી છે. ચેપી રોગોના સંચાલન અને સારવાર માટે આખી હોસ્પિટલમાં 500 બેડ તદ્દન અલાયદા ફાળવવામાં આવ્યા છે, જેથી કોઈપણ કટોકટીના સમયે મેનેજમેન્ટ સરળ બને. આ સાથે જ, દર્દીઓને સમયસર દવાઓ મળી રહે તે માટે ઝડપી વિતરણ વ્યવસ્થા ધરાવતું ખાસ સેન્ટ્રલ ડ્રગ સ્ટોર પણ સ્થાપવામાં આવ્યું છે. આધુનિક સુવિધાઓ અને ઉત્તમ આયોજનથી સજ્જ આ નવું હોસ્પિટલ સંકુલ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના નાગરિકો માટે આરોગ્ય સેવાનું એક નવું સીમાચિહ્ન સાબિત થશે.
