JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ગોધરામાં અવાજનું પ્રદૂષણ ફેલાવતા ૧૬ બુલેટ ડિટેઇન કરાયા, ચાલકોને ભારે દંડ ફટકારાયો

ગોધરામાં અવાજનું પ્રદૂષણ ફેલાવતા ૧૬ બુલેટ ડિટેઇન કરાયા, ચાલકોને ભારે દંડ ફટકારાયો
ગોધરા શહેરમાં મોડીફાઇડ સાયલેન્સરથી ઘોંઘાટ મચાવતા ૧૬ બુલેટ ચાલકો વિરુદ્ધ ટ્રાફ્કિ પોલીસે લાલ આંખ કરી છે. સંયુક્ત ઓપરેશન હાથ ધરી તમામ વાહનોને ડિટેઇન કરી ભારે દંડ વસૂલવામાં આવ્યો છે.

ગોધરા શહેરમાં વાહનો દ્વારા ફેલાવવામાં આવતા ધ્વનિ પ્રદૂષણને ડામવા માટે સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા એક વિશેષ અને કડક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સિટી ટ્રાફિક પોલીસ, જિલ્લા ટ્રાફ્કિ શાખા અને એ ડિવિજન પોલીસના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં એક મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન અનેક યુવાનો દ્વારા પોતાની બાઇકમાં કંપની ફિટ્ડ ઓથોરાઇઝ્ડ સાયલેન્સર બદલીને મોડીફાઇડ અને કર્કશ અવાજ કરતા સાયલેન્સર લગાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. રસ્તાઓ પર નીકળતી વખતે આ બુલેટ ચાલકો દ્વારા જાણી જોઈને મોટો અવાજ કરી ફટાકડા જેવા અવાજો કાઢવામાં આવતા હતા, જેનાથી ટ્રાફિક નિયમોના ભંગ સાથે વાતાવરણ પણ અશાંત બનતું હતું.

શહેરના મુખ્ય માર્ગો પર આ પ્રકારે ઘોંઘાટ ફેલાવવાથી સામાન્ય નાગરિકો, વરિષ્ઠ નાગરિકો, નાના બાળકો તેમજ અન્ય વાહનચાલકોને ભારે માનસિક પરેશાનીનો સામનો કરવો પડતો હતો. લોકોની આ સતત વધતી જતી ફરિયાદોને ગંભીરતાથી લઈને પોલીસ વિભાગે કડક પગલાં લેવાનું નક્કી કર્યું હતું. સંયુક્ત પોલીસ ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરીને આવા નિયમ વિરુદ્ધના કુલ ૧૬ બુલેટ વાહનોને સ્થળ પર જ ઝડપી પાડીને ડિટેઇન કરવામાં આવ્યા હતા. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી વાહનચાલકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને નિયમોનો ભંગ કરીને ફરતા યુવાનોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.

પકડાયેલા તમામ ૧૬ બુલેટ ચાલકો સામે ટ્રાફિક નિયમો અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત સરેરાશ રૂપિયા ૧૨ થી ૧૫ હજાર સુધીનો ભારેખમ RTO દંડ ફટકારવામાં આવ્યો હતો. નિયમાનુસાર દંડની રકમ ભરપાઈ કર્યા બાદ તેની પાવતી એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં રજૂ કરવાની રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ પોલીસ સમક્ષ વાહનના સાયલેન્સર બદલાવીને તેને મૂળ કંપનીની સ્થિતિમાં લાવવાની શરતે વાહનો મુક્ત કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં પણ જો કોઈ વાહનચાલક દ્વારા આવી પ્રવૃત્તિ કરવામાં આવશે તો તેની સામે વધુ કડક કાનૂની પગલાં ભરવામાં આવશે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES