નર્મદા જિલ્લાના અંતરિયાળ ગણાતા સાગબારા ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS) ખાતે તા. ૨૬ નવેમ્બરના રોજ 'સમૃદ્ધિ-૨૦૨૬' ત્રિદિવસીય ક્લસ્ટર સ્તરીય સાંસ્કૃતિક મહોત્સવનો દીપ પ્રાગટ્ય અને ભવ્ય ઉત્સાહ સાથે શુભારંભ થયો હતો. શાળાના આચાર્ય પ્રમોદ કુમાર કનોજિયાના સ્વાગત પ્રવચનથી શરૂ થયેલા આ મહોત્સવમાં ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી (GSTES)ના પૂર્વ નિયામક ચૌધરી અર્જુનભાઈ મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ ટીપીઓ નાન સિંગ વસાવા, વિવિધ શાળાઓના આચાર્યો, સ્થાનિક સરપંચ તેમજ અગ્રણી શિક્ષણવિદોની ઉપસ્થિતિએ આ સમારોહની દીક્ષા વધારી હતી. આ ત્રિદિવસીય આયોજન તા. ૨૬ થી ૨૮ નવેમ્બર દરમિયાન ચાલવાનું છે, જેણે સમગ્ર પંથકમાં એક ઉત્સવનું વાતાવરણ ઊભું કર્યું છે.
આ મહાસંસ્કૃતિ મહોત્સવમાં નર્મદા અને ડાંગ એમ બે જિલ્લાઓની કુલ ૮ જેટલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહ સાથે સહભાગી થઈ રહ્યા છે. આદિજાતિ વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક અને સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે આ ઉત્તમ મંચ પૂરો પાડવામાં આવ્યો છે. આગામી ત્રણ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ પોતાની કલા, સાહિત્ય અને સંસ્કૃતિની ધારદાર રજૂઆત કરશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સ્પર્ધા કરવાનો નથી, પરંતુ આદિજાતિ સમાજનાં બાળકોમાં છુપાયેલી સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપીને તેમને આત્મનિર્ભર અને આત્મવિશ્વાસુ બનાવવાનો છે.
આ મહોત્સવ અંતર્ગત વિવિધ રોમાંચક અનેકવિધ સાંસ્કૃતિક તેમજ સાહિત્યિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એકલ નૃત્ય, સમૂહ નૃત્ય, ૨ડી અને ૩ડી ચિત્રકલા, સંગીત ગાયન, નાટક, વક્તૃત્વ, કાવ્યપઠન અને વાર્તા વાચન જેવી સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. આ તમામ સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓ પોતાની કલા અને પ્રતિભાનું અદભુત પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રકારના ભવ્ય આયોજનોથી માત્ર વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ જ નથી થતો, પરંતુ પરંપરાગત કલાઓનું જતન પણ થાય છે. સાગબારા ખાતે યોજાયેલ આ 'સમૃદ્ધિ-૨૦૨૬' મહોત્સવ આદિવાસી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક સીમાચિહ્ન રૂપ સાબિત થઈ રહ્યો છે.
