JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

ગોધરા સહિત પંચમહાલ જિલ્લાની શાળાઓમાં દિવાળી વેકેશન બાદ શિક્ષણ કાર્યનો ધમધમાટ શરૂ

ગોધરા સહિત પંચમહાલ જિલ્લાની શાળાઓમાં દિવાળી વેકેશન બાદ શિક્ષણ કાર્યનો ધમધમાટ શરૂ
પંચમહાલ જિલ્લામાં ૨૧ દિવસના લાંબા દીવાળી વેકેશનના અંતે ગુરુવારથી શૈક્ષણિક સંકુલો ફરી ધમધમી ઉઠ્યા છે. હજારો વિદ્યાર્થીઓના ઉત્સાહભેર આગમનથી શાળા પરિસરોમાં પુનઃ રોનક અને ચહલપહલ જોવા મળી હતી.

ગોધરા શહેર તેમજ સમગ્ર પંચમહાલ જિલ્લામાં લાંબા સમયથી રાહ જોવાયેલું ૨૧ દિવસનું દિવાળી વેકેશન પૂરું થતાં જ આજથી તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પુનઃ પ્રારંભ થયો છે. વેકેશનના દિવસો પૂરા થતાંની સાથે જ વિદ્યાર્થીઓ ફરી એકવાર પોતાના દફતર અને પુસ્તકો સાથે શાળા તરફ વળ્યા હતા. સવારના સમયે શાળાના ગેટ પર હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી. લાંબા વિરામ બાદ પોતાના મિત્રો અને શિક્ષકોને મળવાનો આનંદ બાળકોના ચહેરા પર સ્પષ્ટ વર્તાતો હતો અને સૌએ એકબીજાને દિવાળી તેમજ નૂતન વર્ષની શુભકામનાઓની આદાસી કરી હતી.

વેકેશનના પ્રથમ દિવસે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના સ્વાગત માટે વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા. સંકુલના ટ્રસ્ટીઓ, આચાર્યો અને શિક્ષકોએ ફૂલો તથા હર્ષોલ્લાસ સાથે બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, જેથી બાળકો પ્રથમ દિવસે જ અભ્યાસના માહોલમાં સહજતાથી ભળી શકે. આ તકે હાજર રહેલા શિક્ષકો અને વડીલોએ શિયાળાની બદલાતી ઋતુને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બાળકો સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહે અને ઠંડીથી બચવા માટે જરૂરી સાવચેતીઓ રાખે તે અંગે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી, જેથી તેમનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે અને અભ્યાસ પર કોઈ માઠી અસર ન પડે.

સ્વાગત અને માર્ગદર્શન બાદ શાળાઓમાં બીજા સત્ર (સેમેસ્ટર) ના શૈક્ષણિક કાર્યની સત્તાવાર અને જોશભેર શરૂઆત કરવામાં આવી હતી. શિક્ષકોએ વિદ્યાર્થીઓને નવા સેમેસ્ટરમાં વધુ ઉત્સાહ અને સખત મહેનત સાથે અભ્યાસ કરવા માટે પ્રેરિત કર્યા હતા. લાંબા વેકેશન બાદ શૈક્ષણિક સંકુલોમાં ગુંજતો બાળકોનો કિલકિલાટ અને શાળાઓની સક્રિયતા જોઈને સમગ્ર જિલ્લામાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. આગામી દિવસોમાં આ ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તેવી આશા શૈક્ષણિક આલમ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES