આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુની વિશેષ ઉપસ્થિતિમાં ચેન્નાઈના પ્રતિષ્ઠિત જૈન દંપતી વર્ધમાન જૈન અને રાધિકા જૈને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) સમક્ષ આ ઐતિહાસિક ભેટ અર્પણ કરી હતી. આ ભવ્ય દાનમાં કુલ ૪૬ આભૂષણોનો સમાવેશ થાય છે જેને નવ સેટમાં ગોઠવવામાં આવ્યા છે. જેમાં ભગવાન માટે ભવ્ય મુકુટ, પદ્મ પાદલુ (ચરણો માટેના આભૂષણો) તેમજ ૨૩૮.૨ કેરેટ વજનના કિમતી હીરા વિશેષરૂપે સામેલ છે. કુલ ૧૨૧ કિલો વજનની આ ભેટમાં ૧૦૬ કિલો સોનાના આભૂષણો ભગવાન વેંકટેશ્વર માટે અને ૧૫ કિલો વજનનો વિશેષ પોશાક દેવી શ્રી પદ્માવતી અમ્માવરુને અર્પણ કરવામાં આવ્યો છે. આ ભવ્ય સંગ્રહમાં સોનાના વાઘના નખ, વિવિધ પ્રકારની ચેઈન, મુકુટ અને રત્ન-મણિઓનો પણ સમાવેશ થાય છે.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ ઘટનાને તિરુમાલાના ઇતિહાસનો એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક અધ્યાય ગણાવ્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં પલ્લવ, ચેરા, ચોલ, પાંડ્ય વંશથી લઈને મૈસૂર અને મરાઠા શાસકો તેમજ વિજયનગરના રાજા શ્રી કૃષ્ણ દેવરાય દ્વારા મંદિરના વિકાસમાં આપવામાં આવેલા યોગદાનને યાદ કર્યું હતું. નાયડુએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં અનેક આક્રમણો છતાં તિરુમાલા મંદિર હંમેશા સુરક્ષિત અને પવિત્ર રહ્યું છે. તેમણે ટીટીડીને એક પારદર્શક સંસ્થા ગણાવતા કહ્યું કે ભક્તોના દાનના સંસાધનોનો ઉપયોગ હંમેશા લોકકલ્યાણ અને ભક્તોની સુખાકારી માટે કરવામાં આવી રહ્યો છે.
મુખ્યમંત્રીએ મંદિર પ્રશાસનને દેવસ્થાનની પવિત્રતા જાળવી રાખવા અને ગૌરક્ષા માટે સક્રિયપણે કામ કરવા આહ્વાન કર્યું હતું. તેમણે ટીટીડીના સહયોગથી ભવિષ્યમાં ૫,૦૦૦ નવા મંદિરોનું નિર્માણ કરવાની અને જ્યાં પણ મંદિરો આવેલા હોય ત્યાં અન્નપ્રસાદની સુવિધા પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, વિદેશોમાં જ્યાં મોટી સંખ્યામાં હિન્દુ વસ્તી રહે છે ત્યાં પણ મંદિરો સ્થાપિત કરવાના સૂચનો તેમણે કર્યા હતા. આ ઐતિહાસિક દાને સમગ્ર દેશમાં આસ્થા અને ભક્તિનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે ભક્તો માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે.
