ભરૂચ તાલુકાના મનુબર ગામમાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત અસંવેદનશીલ ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં નીતીન મિસ્ત્રી નામના શખ્સે અશક્ત અને પાંચથી છ મહિનાના નાની વયના શ્વાનના બચ્ચાને પોતાની ક્રૂરતાનો શિકાર બનાવ્યું હતું. આરોપીએ આ નિર્દોષ જીવને જીવતો સળગાવવાનો પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટના સમયે બચ્ચાના દર્દનાક અને ચીસો પાડતા અવાજો સાંભળીને આસપાસના જાગૃત અને જીવદયા પ્રેમી નાગરિકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
સ્થાનિક લોકો અને જીવદયા પ્રેમીઓએ તાત્કાલિક ધોરણે ગંભીર રીતે દાઝેલા શ્વાનના બચ્ચાને બચાવવા માટે સારવાર અર્થે ખસેડવાની ત્વરિત કવાયત હાથ ધરી હતી, પરંતુ ગંભીર ઈજાઓ અને દાઝી જવાના કારણે સારવાર દરમિયાન જ તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ અમાનવીય કૃત્ય આચરનાર નિતિનને રોષે ભરાયેલા ગ્રામજનોએ ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ કરી હતી. આરોપીએ અત્યંત બેજવાબદાર ખુલાસો આપતા જણાવ્યું હતું કે તે માત્ર શ્વાનના બચ્ચાની પૂંછડી સળગાવવા ગયો હતો, પરંતુ દરમિયાનમાં તેણે બચ્ચાના મોઢાના ભાગે આગ ચાંપી દીધી હતી જેણે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું.
આ ક્રૂરતાપૂર્ણ ઘટનાને પગલે સમગ્ર પંથકના પશુપ્રેમીઓ અને સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. બેજુબાન પ્રાણીઓ પ્રત્યેની આવી નિર્દયતા અને હિંસા સામે કડક પગલાં લેવાની માગ સાથે લોકોએ ત્વરિત પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક હરકતમાં આવી આરોપી નીતીનને કસ્ટડીમાં લઈ લીધો છે અને તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
