શિયાળાની ઋતુ શરૂ થતાં જ ખાણીપીણીના શોખીનો માટે સૌથી આકર્ષક અને સ્વાસ્થ્યવર્ધક એવી મોસમી વાનગીઓનું આગમન થઈ ચૂક્યું છે. અંકલેશ્વર પંથકમાં જૂના નેશનલ હાઇવે પર છાપરા પાટિયાથી લઈને ગડખોલ પાટિયા અને ગોલ્ડન બ્રિજ પોલીસ ચોકી આસપાસના વિસ્તારમાં ગરમાગરમ પોંક અને ઊંબાડિયાની અનેક હાટડીઓ ધમધમતી થઈ ગઈ છે. શિયાળાના પ્રારંભે જ ખુલ્લા વાતાવરણમાં તૈયાર થતી આ પરંપરાગત અને સ્વાદિષ્ટ વાનગીઓની સુગંધ રાહદારીઓ અને વાહનચાલકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે, જેના કારણે સાંજના સમયે ખાણીપીણીના શોખીનોની ભીડ જામતી જોવા મળે છે.
આ સ્વાદિષ્ટ પોંકના પાક પાછળની ખેડૂતોની મહેનત પણ વિશેષ હોય છે. અંકલેશ્વર તાલુકાના જૂના કાસિયા સહિતના આસપાસના ગામોમાં મોટા પાયે પોંક માટેની જુવારની ખેતી કરવામાં આવે છે. ચોમાસાના મધ્ય ભાગમાં એટલે કે ઓગસ્ટ મહિનાની આસપાસ જુવારનું વાવેતર થાય છે, જે દિવાળી પછી એટલે કે નવેમ્બર માસ સુધીમાં સંપૂર્ણપણે તૈયાર થઈ જાય છે. કુમળા જુવારના ડુંડા ખેતરોમાંથી તોડીને તેમાંથી ખાસ પ્રક્રિયા દ્વારા પોંક તૈયાર કરવામાં આવે છે. અંદાજે પાંચ મહિના સુધી ચાલતી આ સિઝનમાં ખેડૂતો અને સ્થાનિક વેપારીઓ દ્વારા તાજા પોંકનું વેચાણ કરવામાં આવે છે, જે આ પંથકના ગ્રામીણ અર્થતંત્ર માટે પણ મહત્વનું પાસું છે.
આ વર્ષે સ્વાસ્થ્યપ્રેમીઓ માટે એક ઉત્તમ સમાચાર એ છે કે ગત વર્ષોની સરખામણીએ આ વખતે પોંકના ભાવમાં રાહત મળી છે અને ભાવ ઘટીને વેચાણ થઈ રહ્યું છે. પોંક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે, જેથી સ્વાસ્થ્ય પ્રત્યે સભાન લોકો પણ હોંશે-હોંશે તેની ખરીદી કરી રહ્યા છે. ગ્રાહકો ખાસ કરીને તીખી અને ચટપટી સેવ સાથે ગરમાગરમ પોંકની લિજ્જત માણી રહ્યા છે. શિયાળાની આ મૌસમી મિજબાની માણવા માટે નાનાથી લઈને મોટેરાઓ સુધીના તમામ વર્ગના લોકો હાઇવે પર લાગેલી આ અસ્થાયી હાટડીઓ પર ઉમટી રહ્યા છે, જેના કારણે પંથકમાં ઉત્સાહભર્યું વાતાવરણ છવાયું છે.
