JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગરના ટાઉનહોલ-માધાપર ઈ-બસ રૂટ પર બિનજરૂરી સ્ટોપથી મુસાફરો મુશ્કેલીમાં

જામનગરના ટાઉનહોલ-માધાપર ઈ-બસ રૂટ પર બિનજરૂરી સ્ટોપથી મુસાફરો મુશ્કેલીમાં
જામનગરના ટાઉનહોલથી માધાપર રૂટ પર ઈ-સિટી બસમાં કોઈપણ કારણ વગર ઈમ્યુઝમેન્ટ પાર્કનો સ્ટોપ વધારી દેવાતા મુસાફરોને રૂપિયા પાંચનો વધારાનો દંડ ભોગવવો પડી રહ્યો છે, જેના કારણે નાગરિકોમાં રોષ ફેલાયો છે.

જામનગર શહેરમાં ટાઉનહોલથી માધાપર ભુંગા તરફ દોડતી ઈ-સિટી બસ સેવાના રૂટને લઈને મુસાફરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ નિયમિત રૂટ પર લાલબંગલો, સાત રસ્તા, ખોડિયાર કોલોની, દિગ્જામ સર્કલ અને ઢીંચડા જેવા મહત્વના સ્ટોપેજ આવેલા છે. પરંતુ, કોઈપણ પ્રકારના ટ્રાફિક કે વાજબી કારણ વગર રૂટમાં અચાનક 'ઈમ્યુઝમેન્ટ પાર્ક' આવવા-જવાનો વધારાનો સ્ટોપ ઉમેરી દેવામાં આવ્યો છે. આ એક જ ફેરફારના કારણે ખોડિયાર કોલોનીથી આગળના ડઝનેક સ્ટોપ પરથી ચઢતા મુસાફરોએ ટિકિટ દીઠ વધારાના પાંચ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે અને સાથેસાથે કિંમતી સમય પણ વેડફાઈ રહ્યો છે.

આ બિનજરૂરી આર્થિક ભારણ અને સમયના બગાડથી કંટાળીને નાગરિકો હવે ઈ-સિટી બસથી મોં ફેરવી રહ્યા છે, અને નાછૂટકે પ્રદૂષણ ફેલાવતા ખાનગી વાહનો તથા ઓટો રિક્ષાનો સહારો લેવા મજબૂર બન્યા છે. ખાસ કરીને સાત રસ્તાથી ખેતીવાડી અને મહાકાળી સર્કલ વચ્ચે શટલ રિક્ષા ચાલકો સસ્તા ભાડામાં સેવા આપતા હોવાથી, ઈ-બસો તરફ આકર્ષાયેલા પ્રવાસીઓ ફરીથી જૂની પરિવહન પદ્ધતિ તરફ વળી રહ્યા છે. આ પરિસ્થિતિના કારણે અવારનવાર બસના સ્ટાફ અને મુસાફરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાતા હોય છે, જે પબ્લિક ટ્રાન્સપોર્ટની છબી પર સવાલિયા નિશાન મૂકે છે.

આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર દ્વારા ઈ-સિટી બસના આ રૂટમાંથી તાત્કાલિક ધોરણે ઈમ્યુઝમેન્ટ પાર્કનું બિનજરૂરી સ્ટોપ હટાવવું અનિવાર્ય બન્યું છે. આ ઉપરાંત, મુસાફરો સાથે સ્ટાફનું વર્તન સૌમ્ય રહે તે માટે તાલીમ આપવી, કંડક્ટરોને છૂટા નાણાંની પૂરતી વ્યવસ્થા પૂરી પાડવી અને તમામ રૂટ પર ડેડિકેટેડ બસ સ્ટોપના થાંભલા ઊભા કરી સમયપત્રક પ્રદર્શિત કરવા જેવી પાયાની સુવિધાઓ વહેલી તકે વિકસાવવી ખૂબ જ જરૂરી છે, જેથી પર્યાવરણ અનુકૂળ ઈ-બસ સેવાને વધુ લોકપ્રિય બનાવી શકાય.

જામનગર વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES