જામનગર મહાનગરપાલિકા અંતર્ગત આવતા વોર્ડ નં. ૧૨માં ભૂગર્ભ ગટર અને પાઈપ ગટરની વ્યવસ્થા અત્યંત દયનીય અને જર્જરિત સ્થિતિમાં પહોંચી ગઈ છે. આ ગંભીર સમસ્યાને લઈને આમ આદમી પાર્ટીના નગરસેવિકા જેનબબેન ખફીએ મેયરને લેખિત આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક ધોરણે નવી ગટર વ્યવસ્થા ઊભી કરવાની ઉગ્ર માંગ કરી છે. વોર્ડના ફલ્લાની પાર્ક સોસાયટી, સનસિટી-૧, ચોલા શેરી, બીબોડી ફળી, આમલીવાર, ફરાસુવાળો વિસ્તાર અને સતવારા વાડ જેવા મુખ્ય વિસ્તારોમાં વર્ષો જૂની લાઈનો ચોક થઈ જવાના કારણે ગટરનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી સીધું લોકોના ઘરોમાં ઘૂસી રહ્યું છે, જેથી સ્થાનિક રહેવાસીઓનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
અગાઉ અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ સકારાત્મક કામગીરી કરવામાં આવી ન હોવાનો રોષ નગરસેવિકા અને સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સમસ્યા હવે માત્ર ગંદકી પૂરતી મર્યાદિત નથી રહી પરંતુ સમગ્ર વિસ્તારના નાગરિકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ સાબિત થઈ રહી છે. આવેદનપત્રમાં સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તમામ વિસ્તારોમાં ટેકનિકલ સર્વે હાથ ધરીને ક્ષતિગ્રસ્ત લાઈનો બદલવામાં આવે અને જ્યાં સુધી કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે. નવા થનારા કાર્યોમાં ટેકનિકલ ગુણવત્તા જળવાઈ રહે અને ચોક્કસ સમયમર્યાદામાં કામ પૂર્ણ થાય તે પણ અનિવાર્ય છે.
આ મામલે તંત્ર દ્વારા જો વહેલી તકે કોઈ નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો સ્થાનિક નાગરિકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ લડત હવે લોકઆરોગ્ય અને હક્કો માટેની આખરી રજૂઆત બની રહી છે, જેથી ભવિષ્યમાં ઊભી થનારી કોઈપણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકા તંત્રની રહેશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.
