રાજકોટ શહેરમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને એડિશનલ પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીકની સૂચનાથી પીસીબીની ટીમ સક્રિય બની પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અશોકભાઈ મોરી, હરદેવસિંહ રાઠોડ અને દેવરાજભાઈ કળોતરા સહિતના કર્મીઓને બાતમી મળી હતી કે સોખડા ચોકડીથી સોખડા ગામ તરફ જતા રોડ પર રાણીમા રૂડીમાં રેસ્ટોરન્ટના પાર્કિંગમાં એક શંકાસ્પદ ક્રેટા કાર ઊભી છે. આ ચોક્કસ બાતમીના આધારે ત્વરિત દરોડો પાડવામાં આવતા કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેણે પોલીસ પણ ચોંકી ગઈ હતી.
પોલીસે કારની તલાશી લેતા અંદરથી ૧,૦૧,૪૦૦ રૂપિયાની કિંમતની કુલ ૪૨૦ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી. આ કેસમાં પકડાયેલા આરોપીની ઓળખ અલીએહમદ બસીર શેખ (ઉ.વ. ૨૯, રહે. વિનોદનગર આવાસ યોજના ક્વાર્ટર, હુડકો ચોકડી પાસે, રાજકોટ) તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપી પોતાની જ કાર લઈને ખાસ ચંડીગઢ ગયો હતો અને ત્યાંથી દારૂ ભરીને રાજકોટમાં કોઈ સ્થાનિક બુટલેગરને આપવા માટે અહીં પહોંચ્યો હતો. પોલીસે દારૂ અને કાર સહિત કુલ ૯,૦૧,૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે અને આ જથ્થો મંગાવનાર મુખ્ય રિસીવરની શોધખોળ તીવ્ર બનાવી છે.
બીજી બાજુ, શહેરમાં પુરુષોની સાથે મહિલાઓ પણ હવે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય થઈ રહી હોવાનું એક અન્ય કિસ્સામાં સામે આવ્યું છે. થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા ચુનારાવાડ શેરી નંબર ૨/૩ વચ્ચે નીતા લીલા ટાંક નામની મહિલાના મકાનમાં દારૂનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીવાળા આ મકાનમાં રેડ કરીને દારૂની ૭ બોટલો સાથે ૩૫ વર્ષીય મહિલા બુટલેગર નીતા ટાંકની અટકાયત કરી હતી. રાજકોટમાં એક જ દિવસમાં દારૂના અલગ-અલગ દરોડામાં ઝડપાયેલા આ બંને કિસ્સાઓથી બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
