JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગર-ખંભાળિયા હાઈ-વે પર ઓપરેશન હેલ્થ: ૧૧ હોટલની તપાસમાં સવાત્રણ લાખનું શંકાસ્પદ ઘી જપ્ત

જામનગર-ખંભાળિયા હાઈ-વે પર ઓપરેશન હેલ્થ: ૧૧ હોટલની તપાસમાં સવાત્રણ લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્ય સરકારના 'ઓપરેશન હેલ્થ' અંતર્ગત જામનગર ફૂડ વિભાગે હાઈ-વે પર આવેલી ૧૧ હોટલોનું ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન બે હોટલને નોટિસ ફટકારવાની સાથે લાખો રૂપિયાનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી નાશ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જનસામાન્યના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા માટે 'ઓપરેશન હેલ્થ' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જામનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ વિશેષ અભિયાન અંતર્ગત જામનગર-ખંભાળિયા હાઈ-વે પર ધમધમતી ૧૧ જેટલી હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે હોટલોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, કાચો માલ, રસોડાની સ્વચ્છતા, પીવાનું પાણી અને કામદારોના સ્વાસ્થ્ય બાબતે ઝીણવટભરી તપાસ કરી હતી, જેમાં નિયમોનું ઉલ્લંઘન જણાતા બે હોટલોને તાત્કાલિક ઈમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, તો બીજી તરફ ગ્રાહકોના આરોગ્યની સુરક્ષા માટે તંત્ર સક્રિય મૂડમાં નજરે પડ્યું હતું. હોટલ ચેકિંગ ઉપરાંત, તંત્ર દ્વારા આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ અંગે પણ વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. નિયમો અનુસાર વેપારીઓ ગ્રાહકોને સાચી માહિતી પૂરી પાડે તે માટે આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરતા પોસ્ટરો લગાડવાની કામગીરી કરવામાં આવી હતી અને વેપારીઓને ખાદ્ય સુરક્ષાના કાયદાકીય ધોરણોનું ચુસ્તપણે પાલન કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ સઘન ચેકિંગ દરમિયાન રવાણી ખીજડિયા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના ટ્રેડિંગ એન્ડ કંપની પર પંચકોશી 'એ' ડિવિઝન પોલીસ સ્ટાફના સહયોગથી દરોડા પાડવામાં આવ્યા હતા. અહીંથી 'કેટી-બંધન પ્યોર' ઘીના ૨૦૦ એમએલના ૨૧૬૦ પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કુલ કિંમત રૂ. ૩,૨૪,૦૦૦ થાય છે. આ શંકાસ્પદ ઘીનો નમૂનો પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યો છે, જ્યારે અન્ય કોઈ લેબલ કે એક્સપાયરી વગરનો ૫૦૦ લીટર જેટલો બિનઆરોગ્યપ્રદ ઘીનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ આ જ પેઢીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, અને લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ પેઢી વિરુદ્ધ કાયદેસરની વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

જામનગર વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES