JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

રાજકોટના ભીમનગર વિસ્તારમાં બુટલેગરોનો આતંક: દારૂના વેચાણથી ભયભીત બાળકો શાળાએ જવામાં પણ અચકાયા

રાજકોટના ભીમનગર વિસ્તારમાં બુટલેગરોનો આતંક: દારૂના વેચાણથી ભયભીત બાળકો શાળાએ જવામાં પણ અચકાયા
રાજકોટના ભીમનગર વિસ્તારમાં દારૂના બેફામ વેચાણ અને અસામાજિક તત્વોના ત્રાસથી ત્રાસી ગયેલી મહિલાઓએ ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ કમિશનર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરી છે.

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી જડૂસ હોટલ પાસેના ભીમનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. પરપ્રાંતિય અને નેપાળી શખ્સો તથા તેમના સાગરીતો દ્વારા આ વિસ્તારમાં છડેચોક દારૂનું વેચાણ અને મહેફિલોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે વિસ્તારની શાંતિ જોખમાઈ છે અને અવારનવાર થતા ઝઘડાઓને લીધે સ્થાનિક નાગરિકોનું સામાન્ય જીવન જીવવું પણ મુશ્કેલ બની ગયું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો વિરોધ કરનાર રહીશોને બુટલેગરો દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવે છે, જેથી સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ છવાયું છે.

આ અસામાજિક તત્વોની ગુનાખોરી એટલી હદે વધી ગઈ છે કે તેઓ પોલીસને નિયમિત હપ્તા ચૂકવતા હોવાનો દાવો કરીને કાયદો કે વ્યવસ્થાઈની પરવા કરતા નથી. સબ્બીર કુરેશી નામના શખ્સ અને તેના ગુંડા જેવા ગ્રાહકો દ્વારા નશાની હાલતમાં બહેનો અને દીકરીઓની છેડતી કરવામાં આવતી હોવાથી તેમનું ઘરની બહાર નીકળવું પણ અસુરક્ષિત બન્યું છે. દારૂડિયાઓના આતંક અને ખુલ્લેઆમ ચાલતા અડ્ડાઓને કારણે માસૂમ બાળકોના સંસ્કારો તો બગડી જ રહ્યા છે પરંતુ ડરના માર્યા બાળકો શાળાએ જતા પણ ખચકાઈ રહ્યા છે. સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા અને ઢીલી નીતિ સામે રોષે ભરાયેલી મોટી સંખ્યામાં મહિલાઓએ સીધા ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચીને ન્યાયની ગુહાર લગાવી હતી.

મહિલાઓની આ ઉગ્ર રજૂઆત બાદ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ ગંભીર નોંધ લઈને ભીમનગર વિસ્તારમાંથી દારૂનું આ દૂષણ કાયમી ધોરણે નાબૂદ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમોને સઘન દરોડા પાડવા અને તમામ બુટલેગરો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે. અગાઉ પણ હોટલ દારૂકાંડ જેવા બનાવોમાં શંકાના ઘેરામાં આવેલી સ્થાનિક પોલીસની ભૂમિકા સામે ફરી એકવાર સવાલો ઉઠ્યા છે, ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સીધી દરમિયાનગીરીથી આ વિસ્તારના રહીશોને અસામાજિક તત્વોના ત્રાસમાંથી રાહત મળે તેવી પ્રબળ આશા જાગી છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES