JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

મણિપુરથી સોમાલિયા સુધીની અદભુત સફર: 'અલાંગ' નામના બાજ પક્ષીએ ૪ દિવસમાં કાપ્યા ૫,૭૦૦ કિમી

મણિપુરથી સોમાલિયા સુધીની અદભુત સફર: 'અલાંગ' નામના બાજ પક્ષીએ ૪ દિવસમાં કાપ્યા ૫,૭૦૦ કિમી
માત્ર ૧૫૦ ગ્રામ વજન ધરાવતા 'અલાંગ' નામના યુવા આમુર ફાલ્કન બાજ પક્ષીએ મણિપુરથી સોમાલિયા સુધીનું ૫,૭00 કિલોમીટરનું અંતર નોન-સ્ટોપ ઉડાન ભરીને માત્ર ૧૦૧ કલાકમાં સર કરી લીધું છે. સેટેલાઇટ ટ્રેકિંગ દ્વારા સામે આવેલી આ અસાધારણ સફરે વૈજ્ઞાનિકો અને પક્ષી પ્રેમીઓને ચોંકાવી દીધા છે.

પ્રાણી જગતમાં પોતાની લાંબી અને કઠિન માઈગ્રેશન (સ્થળાંતર) પ્રક્રિયા માટે જાણીતા આમુર ફાલ્કન એટલે કે બાજ પક્ષીઓએ ફરી એકવાર પોતાની અદ્ભુત ક્ષમતા સાબિત કરી છે. ’અલાંગ’ નામના એક યુવા બાજ પક્ષીએ મણિપુરથી સોમાલિયા સુધીની ૫,૭૦૦ કિલોમીટરની અસાધારણ સફર માત્ર ૧૦૧ કલાક એટલે કે અંદાજે ચાર દિવસ અને પાંચ કલાકમાં જ કોઈ પણ પ્રકારના આરામ કે ખોરાક વિના પૂર્ણ કરી છે. પક્ષીઓ પર નજર રાખતા અધિકારીઓ દ્વારા શેર કરાયેલા તાજા સેટેલાઇટ-ટ્રેકિંગ ડેટા મુજબ, આ પક્ષીએ સીધો આફ્રિકન કિનારો સર કર્યો છે. જ્યારે તેનો સાથીદાર ’અપાપાંગ’ નામનો નર બાજ પણ ૯૫ કલાકમાં ૪,૧૦૦ કિલોમીટરનું અંતર કાપીને અરબી સમુદ્ર પર પોતાની અવિરત ઉડાન ભરી રહ્યો છે. આ બંને પક્ષીઓએ સમુદ્ર પાર કરતા પહેલા મણિપુરના તામેંગલોંગ જિલ્લામાં આશરે ૨૫ દિવસ સુધી રોકાઈને પૂરતો ખોરાક મેળવીને પોતાની ઊર્જા એકત્ર કરી હતી.

આ સમગ્ર પ્રવાસનો સૌથી પડકારજનક તબક્કો અરબી સમુદ્રને પાર કરવાનો હોય છે, જ્યાં આરામ કે ખોરાક માટે જમીનનો કોઈ જ ટુકડો ઉપલબ્ધ હોતો નથી અને પક્ષીઓએ હજારો કિલોમીટર સુધી સતત હવામાં જ રહેવું પડે છે. માત્ર ૧૫૦ ગ્રામ જેટલું હળવું વજન ધરાવતા આ નાના શિકારી પક્ષીઓ દર વર્ષે પૂર્વ રશિયા, ઉત્તર-પૂર્વ ચીન અને મંગોલિયાના પ્રજનન સ્થળોથી શિયાળો ગાળવા માટે દક્ષિણ અને પૂર્વ આફ્રિકા તરફ પ્રયાણ કરતા હોય છે. આ લાંબી મુસાફરી દરમિયાન તેઓ ઉત્તર-પૂર્વ ભારતના મણિપુર અને નાગાલેન્ડમાં મોટા સમૂહમાં એકત્ર થાય છે અને ત્યાં જીવજંતુઓ ખાઈને આગળની કઠિન સફર માટે તૈયાર થાય છે. નવેમ્બર ૨૦૨૫માં વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (WII) ના વૈજ્ઞાનિકો દ્વારા 'મણિપુર આમુર ફાલ્કન ટ્રેકિંગ પ્રોજેક્ટ' હેઠળ આ બંને પક્ષીઓ પર હળવા વજનના સેટેલાઇટ ટ્રાન્સમીટર લગાવવામાં આવ્યા હતા, જેના દ્વારા તેમની પ્રત્યેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

તમિળનાડુના અધિક મુખ્ય સચિવ સુપ્રિયા સાહુએ આ પક્ષીઓની પ્રગતિની રોમાંચક વિગતો સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા લોકસમક્ષ મૂકી છે. આ પ્રકારના અદ્યતન ટ્રેકિંગ ઉપકરણો વૈજ્ઞાનિકોને પક્ષીઓના સ્થળાંતર માર્ગ, તેમની ઉડાનની પદ્ધતિ અને સમયગાળાને ઊંડાણપૂર્વક સમજવામાં અમૂલ્ય મદદ પૂરી પાડે છે. આ સફળતા માત્ર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ ઉત્તર-પૂર્વ ભારતમાં વન્યજીવ સંરક્ષણના પ્રયાસોના પરિણામો પણ દર્શાવે છે. તામેંગલોંગ વિસ્તારના સ્થાનિક સમુદાયોએ આ યાયાવર પક્ષીઓના પરંપરાગત વિશ્રામ સ્થળોનું સચોટ રક્ષણ કરીને તેમને એક સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં અત્યંત સરાહનીય અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

દેશ-વિદેશ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES