રાજસ્થાનના ટોંક જિલ્લામાંથી રાજકારણ અને સ્વાર્થવૃત્તિનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પીપલુ પંચાયત સમિતિના વોર્ડ નંબર-૨ પરથી નિવાઈના ધારાસભ્ય રામસહાય વર્માના પીએની પત્ની પ્રિયંકા શર્મા ચૂંટણી લડી રહ્યા હતા. મતદારોને રીઝવવા અને પોતાના તરફ આકર્ષિત કરવાના હેતુથી દીપાવલી પર્વ પહેલા આ વિસ્તારના એક ગામમાં આશરે ૫૦ જેટલી નવી સ્ટ્રીટ લાઈટો લગાવાઈ હતી. તે સમયે ગ્રામજનોએ પણ અંધારામાંથી મુક્તિ મળવાના આ વિકાસકાર્યની ખુબ પ્રશંસા કરી હતી, પરંતુ આ લોભામણી યુક્તિ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ઉંધી વળી ગઈ હતી અને સમગ્ર માસૂમ ગામલોકો સાથે અપેક્ષાભંગ જેવું થયું હતું.
ચૂંટણીના પરિણામોમાં પ્રિયંકા શર્માની હાર થતા જ ગામની તસવીર અને તકદીર બંને બદલાઈ ગયા હતા. પરિણામ જાહેર થયાના માત્ર કલાકભરમાં જ વીજ નિગમ પીપલુની ગાડી ગામમાં આવી પહોંચી હતી અને થોડા દિવસો પહેલા જ ઉત્સાહથી લગાવાયેલી તમામ સ્ટ્રીટ લાઈટોને એક પછી એક ઉતારીને પોતાની સાથે લઈ ગઈ હતી. જ્યારે ગ્રામજનોએ આ અચાનક કરાયેલી કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો, ત્યારે વીજ નિગમે લાઈટો ગેરકાયદેસર હોવાનું રટણ શરૂ કર્યું હતું. ગામલોકોનો સીધો અને તીખો સવાલ હતો કે જ્યારે આ લાઈટો ફિટ થઈ રહી હતી ત્યારે વીજ વિભાગની આંખ કેમ ન ઉઘડી અને ફક્ત ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ જ આ પ્રકારની કાર્યવાહી કેમ કરવામાં આવી?
આ અણધારી ઘટનાને કારણે પીપલુ ગ્રામ પંચાયતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે અને રોષે ભરાયેલા ગ્રામજનોએ આ કાર્યવાહી પાછળના ઈશારા અને ભ્રષ્ટ રાજનીતિ સામે સવાલો ઉઠાવ્યા છે. બીજી તરફ, વીજ નિગમના એઈએન ગોવર્ધન ચૌધરીએ બચાવ કરતા જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે લગાવાયેલી આવી તમામ લાઈટો જ્યાં પણ હશે ત્યાંથી હટાવી લેવામાં આવશે. આ માલો વધુ વણસતા જયપુર વિદ્યુત વિતરણ નિગમના એસએસ મીનાએ પણ સમગ્ર પ્રકરણની વિગતો મેળવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ આ સમગ્ર ઘટનામાં જનતાના ભોગે થતી રાજનીતિનો કડવો અનુભવ ગામલોકોને થયો છે.
