જામનગર જિલ્લામાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે લાલ આંખ કરી છે. આરોગ્યમંત્રી અને ફૂડ સેફ્ટી કમિશનરના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન હેલ્થ' અંતર્ગત જામનગર-ખંભાળિયા હાઈવે પર આવેલી ખાદ્ય પદાર્થોની હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશના ભાગરૂપે કુલ ૧૧ હોટલોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં રસોડાની સ્વચ્છતા, કાચો માલ, કામદારોનું સ્વાસ્થ્ય, પીવાનું પાણી તેમજ વાસણોની ગુણવત્તા જેવા મહત્વના મુદ્દાઓ ઝીણવટપૂર્વક ચકાસવામાં આવ્યા હતા. નિયમોનું પાલન ન કરનાર બે હોટલ સંચાલકોને સ્થળ પર જ સુધારાત્મક નોટિસ આપવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન માત્ર હોટલો જ નહીં પરંતુ ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતી અન્ય પેઢીઓ પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ફૂડ વિભાગની ટીમે આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટનું વેચાણ કરતી ૯ પેઢીઓની મુલાકાત લીધી હતી અને ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે વિશેષ પોસ્ટર લગાવ્યા હતા. વેપારીઓને આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો મૂળભૂત તફાવત સમજાવીને ખાદ્ય સુરક્ષાના કાયદાકીય ધોરણોનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરવામાં આવી હતી. આ પ્રકારની જાગૃતિ ઝુંબેશથી ખાદ્ય વ્યવસાયોમાં પારદર્શિતા વધશે અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ચીજો મળી રહેશે તેવી અપેક્ષા છે.
આ કાર્યવાહીનું સૌથી મોટું પાસું રવાણી ખીજડિયા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના ટ્રેડિંગ એન્ડ કંપની પર પોલીસના સહયોગથી કરવામાં આવેલી રેડ હતું. અહીંથી રૂ. ૩,૨૪,૦00 ની કિંમતનો 'કેટી બંધન પ્યોર કાઉ ઘી' નો જથ્થો શંકાસ્પદ જણાતા સેમ્પલ લઈને બાકીનો ૨૧૬૦ પેકનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કોઈ પણ જાતના લેબલ વગરનું અને એક્સપાયર થયેલ અંદાજે ૫૦૦ લીટર ઘી સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યું હતું. અગાઉ પણ આ જ પેઢીમાંથી શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું હતું, જેનો રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
