જામનગર શહેરમાં યુવાધનને નશાના ખરાબ માર્ગે ધકેલતા નશીલા પદાર્થોના કારોબાર સામે પોલીસ વિભાગ દ્વારા સકંજા કસવામાં આવ્યો છે. તાજેતરમાં સીટી એ ડિવિઝન પોલીસ મથકને મળેલી ચોક્કસ બાતમીના આધારે પ્રદર્શન ગ્રાઉન્ડ નજીક આવેલી શાકમાર્કેટ પાસેથી એક બ્રેઝા કારમાં શંકાસ્પદ હાલતમાં ફરી રહેલા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસની આ સફળ કાર્યવાહીથી ડ્રગ્સ પેડલરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને શહેરમાં ચાલતા ગેરકાયદેસર નશાના વેચાણનો પર્દાફાશ થયો છે.
પોલીસે પકડેલા આરોપીની ઓળખ બેડી વિસ્તારના મૂળ રહેવાસી અને હાલ ધરારનગર-2 આવાસમાં રહેતા શબીર ઉર્ફે ભડાલો જકરભાઈ ચંગડા તરીકે થઈ છે. પોલીસે તેની કારની તલાસી લેતા રૂ. 41 હજારની કિંમતનો 4.19 ગ્રામ મેફેડ્રોન (એમ.ડી.) પાવડર મળી આવ્યો હતો. આ ઉપરાંત, ડ્રગ્સના વેચાણમાંથી મેળવેલી રોકડ રકમ, બ્રેઝા કાર, મોબાઈલ ફોન અને સિરીંજ સાથેના ત્રણ ઇન્જેક્શન સહિત કુલ રૂ. 5.49 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આ જથ્થો રાજસ્થાનના સાચોર રહેતા સારૂખ ઉર્ફે મારાજ પાસેથી લાવ્યા હોવાનું ખુલતા તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
આરોપી શબીર ઉર્ફે ભડાલાનો ગુનાહિત ઇતિહાસ પણ ખૂબ જ ગંભીર રહ્યો છે, જેની સામે અગાઉ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં દારૂ અને જુગાર સહિતના આશરે 20 જેટલા ગુના નોંધાયેલા છે. હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરનો ગુનો નોંધીને ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ શરૂ કરી છે. મહાનગરોમાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે ત્યારે પોલીસની આ સરાહનીય કામગીરીથી અસામાજિક તત્વોમાં મોટો ડર બેઠો છે.
