વિશ્વ માછીમાર દિવસના અવસર પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તથા ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ સિક્કા અને રસુલનગરના માછીમાર પરિવારો માટે સિક્કા જમાતખાના ખાતે એક ઉપયોગી જાગૃતિ અને માર્ગદર્શન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પગડિયા માછીમારો, બોટ ઓનર, ખલાસીઓ તેમજ માછલીનું વેચાણ કરતી મહિલાઓ સહિત વ્યવસાય સાથે જોડાયેલા અનેક લોકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પરંપરાગત માછીમારી સાથે જોડાયેલા લોકોને આધુનિક ટેક્નોલોજીથી માહિતગાર કરવાનો અને તેમનો વ્યવસાય વધુ સુરક્ષિત તથા સુવ્યવસ્થિત બનાવવાનો હતો.
આ આયોજન દરમિયાન નિષ્ણાતો દ્વારા ડિજિટલ મરિન સર્વિસિઝ, 'મછલી' એપ્લિકેશન, એ.આઈ. આધારિત 'મછલી મિત્ર' તેમજ ગુજરાત રાજ્ય માટે ખાસ ઉપલબ્ધ વોટ્સએપ અને યુટ્યૂબ ચેનલ જેવી આધુનિક સુવિધાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. દરિયાઈ પરિસ્થિતિ અને હવામાનની સચોટ માહિતી મેળવવા માટે ટેક્નોલોજીના ઉપયોગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, માત્ર કાચી માછલીનું વેચાણ કરવાના બદલે તેમાંથી વિવિધ મૂલ્યવર્ધિત ઉત્પાદનો તૈયાર કરીને વધારાની આવક કેવી રીતે ઊભી કરવી તેની તકનીકો પણ સમજાવવામાં આવી હતી, જેનાથી માછીમારોમાં નવા વ્યવસાયિક વિકલ્પો ખોલવાની પ્રેરણા જાગી હતી.
કાર્યક્રમમાં કામધેનુ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર ડો. પ્રકાશ પટેલ, રિસર્ચ સાયન્ટિસ્ટ ડો. હિતેશ કરદાની, જિલ્લા મત્સ્યોદ્યોગ વિભાગના વડા જયદીપ બારડ અને ઇનકોઇસના નિષ્ણાત કાવ્યા ગોકુલ જેવા અગ્રણીઓએ ઉપસ્થિત રહીને માછીમારોને સરકારી યોજનાઓ અને વૈજ્ઞાનિક અભિગમ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ રહી કે ઓખા અને સિક્કાના માછીમારો પણ ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા જોડાઈને ડિજિટલ માધ્યમોથી મેળવેલા પોતાના સફળ અનુભવો અન્ય સાથીદારો સાથે શેર કર્યા હતા.
