જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક દરમિયાન જામજોધપુર-લાલપુરના સક્રિય ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ વિશેષ ઉપસ્થિતિ રહીને જનહિતના સળગતા પ્રશ્નો ભારપૂર્વક રજૂ કર્યા હતા. વર્તમાન સમયમાં જિલ્લામાં પ્રવર્તતી અછતગ્રસ્ત અને દુષ્કાળ જેવી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તેમણે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના ખેડૂતો, પશુપાલકો અને માલધારીઓની મુશ્કેલીઓનો ચિતાર તંત્ર સમક્ષ મૂક્યો હતો. અછતના આ સમયમાં છેવાડાના માનવી સુધી રાહત પહોંચાડવી એ તંત્રની પ્રાથમિક જવાબદારી હોવાનું જણાવી તેમણે તાત્કાલિક અસરકારક પગલાં લેવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં મુખ્ય મુદ્દો વાડી વિસ્તારો અને જંગલ કે ગ્રામીણ નેશોમાં વસવાટ કરતા નાગરિકો માટે પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થાનો રહ્યો હતો. ધારાસભ્ય હેમંત ખવાએ તંત્ર પાસે તાલુકાવાર આયોજનની વિગતો માંગી હતી અને ટેન્કર કે અન્ય વાહનો દ્વારા પાણી વિતરણની પ્રક્રિયાને વેગવંતી બનાવવા ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, અછતની આ વિકટ પરિસ્થિતિમાં સરકારના નિયમો અનુસાર માનવીદીઠ અને મૂગા પશુઓદીઠ કેટલા પ્રમાણમાં પાણી ફાળવવામાં આવી રહ્યું છે તે અંગે પણ સ્પષ્ટ ખુલાસાની માંગણી કરી હતી, જેથી પશુપાલનને પણ બચાવી શકાય.
પાણીની વિકટ સમસ્યા ઉપરાંત બેઠકમાં અન્ય અનેક સ્થાનિક પ્રજાલક્ષી પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા હતા. લાલપુર તાલુકાના ગોવાણા ગામે આવળ માતાજીના મંદિર પાસે વસવાટ કરતા પરિવારો માટે પીવાના પાણીની વિશેષ વ્યવસ્થા કરવા તેમજ જામજોધપુર અને લાલપુર પંથકમાં નવા ચેકડેમોના સર્વેની કામગીરી ઝડપી કરવા રજૂઆત કરાઈ હતી. સાથોસાથ, લાલપુરનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકને લગતી નાગરિકોની ફરિયાદોનું પણ વત્વરે નિરાકરણ લાવવા સંકલન સમિતિમાં સઘન ચર્ચાઓ કરવામાં આવી હતી.
