વઢવાણ વિસ્તારમાં યોજાયેલી TAT HS પરીક્ષાના પરિણામો બહાર આવ્યા બાદ ઉમેદવારોમાં મૂલ્યાંકન પદ્ધતિને લઈને ભારે રોષ અને પ્રશ્નો ઊભા થયા છે. પરિણામોમાં રહેલી અસ્પષ્ટતા અને કથિત અનિયમિતતાઓને દૂર કરવા માટે હ્યુમન રાઈટ્સ ફેડરેશન આગળ આવ્યું છે. નીતિન મકવાણા, ઘનશ્યામ પરમાર, હિનાબા વાઘેલા અને આનંદ પરમાર સહિતના આગેવાનો અને ઉમેદવારોએ લીંબડી મામલતદાર કચેરી ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને સત્તાવાર રીતે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ રજૂઆતનો મુખ્ય ઉદ્દેશ ભાવિ શિક્ષકો અને ઉમેદવારોની મહેનતળે ન્યાયી મૂલ્યાંકન થાય તે સુનિશ્ચિત કરવાનો છે.
આવેદનપત્રમાં ઉમેદવારોના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ અને પારદર્શક નીતિ અપનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે પેપર-૧ અને પેપર-૨ ના ગુણ અલગ-અલગ જાહેર કરવામાં આવે અને બંનેના કુલ ગુણની સ્પષ્ટ વિગતવાર માહિતી આપવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, પરીક્ષામાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માટે ઉમેદવારોને તેમની ઉત્તરવહીની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવે, ગુણની ગણતરીમાં ચોકસાઈ રાખવામાં આવે તેમજ મૂલ્યાંકન સંબંધિત કોઈ ભૂલ જણાય તો ઉમેદવારોને તે અંગે રજૂઆત કરવાની યોગ્ય તક પૂરી પાડવામાં આવે તેવી સૂર વ્યક્ત કરાયો છે.
સંઘ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે કોઈપણ સંજોગોમાં TAT HS પરીક્ષા રદ ન થવી જોઈએ, પરંતુ જો મૂલ્યાંકનમાં કોઈ ક્ષતિ કે અનિયમિતતા હોય તો તેની ઊંડાણપૂર્વક તપાસ કરીને યોગ્ય સુધારા સાથે કાર્યવાહી કરવી અનિવાર્ય છે. સંભવિત ભૂલોને સુધારીને તમામ લાયક ઉમેદવારોને તેમના સાચા ગુણ પ્રાપ્ત થઈ શકે તે માટે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ઉત્તરવહીઓનું રી-એસેસમેન્ટ (પુનઃમૂલ્યાંકન) કરવાની પરવાનગી આપે તેવી પ્રબળ માંગણી પણ આ તકે કરવામાં આવી છે.
