દેશભરની મેડિકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) કોર્સમાં પ્રવેશ મેળવવા માટે ચાલી રહેલી NEET PG 2026 ની કાઉન્સેલિંગ પ્રક્રિયા હાલમાં ભારે વિવાદોના ઘેરામાં આવી ગઈ છે. મેડિકલ કાઉન્સેલિંગ પ્લેટફોર્મ 'સાર્થા' દ્વારા જારી કરવામાં આવેલા ચોંકાવનારા આંકડા મુજબ, કાઉન્સેલિંગના બીજા રાઉન્ડ બાદ મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) ની ૧૦,૧૦૫ જેટલી પીજી મેડિકલ સીટો સંપૂર્ણપણે બ્લોક થઈ ગઈ છે. અનેક મહત્ત્વાકાંક્ષી ઉમેદવારો દ્વારા ઓલ ઇન્ડિયા ક્વોટા (AIQ) અને સ્ટેટ ક્વોટા એમ બંને જગ્યાએ એકસાથે પ્રવેશ મેળવીને બે-બે બેઠકો રોકી રાખવામાં આવી છે. આ ગેરરીતિના કારણે મેરિટ લિસ્ટમાં પાછળ રહેલા પરંતુ ખરેખર લાયક અને સક્ષમ ઉમેદવારોને પ્રવેશ મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેનાથી સમગ્ર પ્રવેશ પ્રક્રિયાની પારદર્શિતા સામે સવાલો ઊભા થયા છે.
આ ગંભીર સમસ્યાની સૌથી માઠી અસર MD જનરલ મેડિસિન, સર્જરી અને ગાયનેકોલોજી જેવી અત્યંત લોકપ્રિય અને મહત્ત્વપૂર્ણ બ્રાન્ચો પર જોવા મળી રહી છે. ઉપલબ્ધ આંકડાકીય માહિતી અનુસાર, માત્ર MD જનરલ મેડિસિનની ૧,૦૨૬, MS ઑબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજીની ૮૬૧ અને MS જનરલ સર્જરીની ૭૮૬ જેટલી બેઠકો આ ડબલ સીટ બ્લોકિંગની જાળમાં ફસાયેલી છે. આ વિવાદ પાછળ મુખ્યત્વે 'ફ્લોટ સિસ્ટમ'નો વિકલ્પ અને અલગ-અલગ કાઉન્સેલિંગ પોર્ટલ વચ્ચે યોગ્ય તાલમેલનો અભાવ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. ઓલ ઇન્ડિયા અને સ્ટેટ ક્વોટાની કાઉન્સેલિંગ પ્રક્રિયા સમાંતર ચાલે છે પરંતુ બંનેના પોર્ટલ એકબીજા સાથે જોડાયેલા ન હોવાને કારણે વિદ્યાર્થીઓ બંને જગ્યાએ ફ્લોટ વિકલ્પ પસંદ કરીને પોતાની અગાઉની સીટ સુરક્ષિત રાખે છે અને વધુ સારી કોલેજની લાલચમાં અન્ય સીટો રોકી રાખે છે.
આ સમગ્ર પ્રક્રિયા સામે આવતા હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને કાઉન્સેલિંગ કમિટી હરકતમાં આવી છે અને કડક પગલાં લેવાની વિચારણા શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વર્ષે પ્રથમ વખત લાગુ કરાયેલા ફ્લોટ સિસ્ટમના નિયમોનો વ્યાપક દુરુપયોગ થઈ રહ્યો છે, જેની ગંભીર નોંધ લેવામાં આવી છે. ત્રીજા રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સમગ્ર કાઉન્સેલિંગ માળખાની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે. ભવિષ્યમાં આવી ધાંધલધમાલ અટકાવવા માટે ફ્લોટનો વિકલ્પ માત્ર પ્રથમ રાઉન્ડ પૂરતો જ મર્યાદિત રાખવામાં આવે તેવી પૂરી શક્યતા છે, અને બીજા રાઉન્ડથી જ ફાળવાયેલી કોલેજમાં રૂબરૂ હાજર રહીને એડમિશન કન્ફર્મ કરવું અનિવાર્ય બનાવવામાં આવી શકે છે.
