અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે અને તેઓ વધુ સખત મહેનત કરવા પ્રેરાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ જ શૃંખલામાં 'છત્રપતિ શાહુજી મહારાજ ખાસ પ્રોત્સાહક ઇનામ' યોજના અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. આ યોજના અંતર્ગત મોરબી જિલ્લાના નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા તાજેતરમાં જ જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી કરીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે, જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
માર્ચ મહિનામાં લેવાયેલી બોર્ડની પરીક્ષાઓમાં મોરબી જિલ્લાના વિધાર્થીઓએ શાનદાર દેખાવ કર્યો છે. ધોરણ 10 માં પ્રાચી પરમારે 97.50 ટકા મેળવી પ્રથમ, નિકુંજ ચાવડાએ 97.33 ટકા સાથે દ્વિતીય અને તૃષાંગી બંસલે 96.83 ટકા સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ઉદયકુમાર જાદવ, રાધિકા મુછડીયા અને ભવિષ્ય મહાલિયા તેમજ સામાન્ય પ્રવાહમાં પ્રિયા પરમાર, ધ્રુવી પરમાર અને સિદ્ધિબેન પારધીએ શ્રોષ્ઠ ગુણાંક સાથે મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ તમામ વિજેતા વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિને આ ઇનામ દ્વારા બિરદાવવામાં આવી છે.
આ યોજનાના નિયમો અનુસાર જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને રૂ. 15,000, દ્વિતીય ક્રમને રૂ. 11,000 અને તૃતીય ક્રમ મેળવનારને રૂ. 9,000 ની પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે, જેમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ મેળવનાર પાત્ર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. નાયબ નિયામકની કચેરી દ્વારા ડીબીટી (DBT) મારફતે આ કુલ રૂ. 1.05 લાખની સહાયની રકમ પારદર્શક રીતે સીધી જ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી છે. સરકારની આર્થિક સહાયથી વિદ્યાર્થીઓનોત્મવિશ્વાસ વધશે અને ભવિષ્યના ઉજ્જવળ શૈક્ષણિક ઘડતરમાં આ પ્રેરણાત્મક બળ પૂરું પાડશે.
