તમિળનાડુના વેલોર ખાતે આવેલી ખ્યાતનામ ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ (CMC) અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR) દ્વારા સંયુક્તપણે એક અત્યાધુનિક 'હ્યુમન મેટાબોલિક ચેમ્બર' તૈયાર કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ સુવિધાનું ઉદ્ઘાટન કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ પુણ્ય સલિલ શ્રીવાસ્તવના હસ્તે આગામી ૨૩ નવેમ્બરના રોજ કરવામાં આવશે. આ સહયોગથી TIFRનું મેટાબોલિઝમ અને એજિંગ રિસર્ચ યુનિટ (ARUMDA) અને CMCનો એન્ડોક્રિનોલોજી વિભાગ એકસાથે મળીને ભારતીય નાગરિકોની વિશિષ્ટ જીવનશૈલી અને આહારને ધ્યાનમાં રાખીને સંશોધન કરશે.
આ અનોખી ચેમ્બરને રૂમ જેટલા મોટા કેલરીમીટર તરીકે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં કોઈપણ સ્વયંસેવક ૨૪ કલાક કે તેથી વધુ સમય સુધી રહી, જમી અને સૂઈ શકે છે. આ દરમિયાન આ ચેમ્બર વ્યક્તિના ઓક્સિજન વપરાશ અને કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનની સચોટ નોંધ રાખે છે. ટૂંકા સમયના મૂલ્યાંકનને બદલે આખો દિવસ સતત મોનિટરિંગ થવાથી સંશોધકોને કુલ ઊર્જા વપરાશ સમજવામાં અને શરીર ખોરાક, શારીરિક પ્રવૃત્તિ કે ઊંઘ દરમિયાન ચરબી અને કાર્બોહાઇડ્રેટ વચ્ચે કેવી રીતે બદલાવ કરે છે તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં મોટી મદદ મળશે.
આ નવો પ્રોજેક્ટ ભારતીય વસ્તી અને આહાર પદ્ધતિઓને વૈશ્વિક ડેટાબેઝમાં યોગ્ય સ્થાન અપાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. પરમાણુ ઊર્જા વિભાગ અને હિન્દુસ્તાન યુનિલિપલના સીએસઆર ફંડિંગ દ્વારા સ્થપાયેલી આ સુવિધાથી ડાયાબિટીસ, સ્થૂળતા, કુપોષણ, વૃદ્ધત્વ અને કેન્સર જેવા ગંભીર રોગો સામેની સારવાર વધુ સચોટ બનશે. નેધરલેન્ડ્સ અને માસ્ટ્રિચ યુનિવર્સિટીના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલું આ સંશોધન ભવિષ્યમાં તબીબી ક્ષેત્રે ભારતના ક્લિનિકલ ધોરણોને નવી દિશા પૂરી પાડશે.
