મેક્સિકોના વાયવ્ય સિનાલોઆ રાજ્યમાં ગુઆસાવે શહેરમાં અમેરિકી ગુપ્તચર એજન્સીઓની મદદથી હાથ ધરવામાં આવેલા એક મેગા ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ એફબીઆઈના ૧૦ સૌથી વધુ વોન્ટેડ ફરાર આરોપીઓમાંના એક અને કુખ્યાત કાર્ટેલ બોસ ફૌસ્ટો ઇસિડ્રો મેઝા ફ્લોરેસ ઉર્ફે 'એલ ચાપો ઇસિડ્રો'ની ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ કાર્ટેલના સભ્યો અને સુરક્ષા દળો વચ્ચે રાત્રભર ભીષણ ગોળીબાર થયો હતો. ગુનેગારોએ વિરોધ દર્શાવવા માટે વાહનો સળગાવીને મુખ્ય માર્ગો પર રોડ બ્લોક કર્યા હતા, અને અનેક દુકાનો તથા ટ્રકોને આગ ચાંપી દીધી હતી. પરિસ્થિતિ એટલી તણાવપૂર્ણ બની હતી કે આકાશમાં લશ્કરી હેલિકોપ્ટરો અને ડ્રોન સતત ગુંજતા રહ્યા હતા, જ્યારે સ્થાનિક રહીશો ભયના માર્યા ઘરોમાં કેદ થઈ જવા મજબૂર બન્યા હતા. આ હિંસક અથડામણમાં ૭ શંકાસ્પદ કાર્ટેલ બંદૂકધારીઓ અને ૪ સૈનિકોના પ્રાણ ગયા હતા, તેમજ ગુઆસાવેમાં રમાઈ રહેલી એક બેઝબોલ મેચ પણ અચાનક રોકવી પડી હતી જ્યાં દર્ક્ષકો જીવ બચાવીને ભાગ્યા હતા.
મેક્સિકોના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશના ઈલાઈટ મિલિટરી ફોર્સે 'ગુપ્તતા અને અચાનક હુમલા'ની રણનીતિ અપનાવીને તે ઇમારતને ચારેય બાજુથી ઘેરી લીધી હતી જ્યાં ફૌસ્ટો ઇસિડ્રો છુપાયેલો હતો. સુરક્ષા દળો જ્યારે તેને પકડવા આગળ વધ્યા ત્યારે કાર્ટેલના સશસ્ત્ર ઓપરેટરોએ ભારે ગોળીબાર અને વિસ્ફોટકોથી વળતો પ્રહાર કર્યો હતો. એટલું જ નહીં, કુખ્યાત ગુનેગારોએ સમગ્ર શહેરમાં લગભગ ૧૦ સ્થળોએ સળગતા વાહનો મૂકીને રસ્તાઓ બ્લોક કરી દીધા હતા જેથી કુખ્યાત ડ્રગ લોર્ડને સલામત સ્થળે ખસેડવામાં સેનાને મુશ્કેલી પડે. આખરે શનિવારે વહેલી સવારે ૪ વાગ્યાની આસપાસ જડબેસલાક સુરક્ષા વચ્ચે ઇસિડ્રોને ગુઆસાવેથી હેલિકોપ્ટર દ્વારા મેક્સિકો સિટી ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને પ્રોસિક્યુટર્સ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ અથડામણ દરમિયાન સમગ્ર શહેરમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને સ્થાનિક પત્રકારોના મતે હિંસા વાવાઝોડાની જેમ આખા શહેરમાં ફેલાઈ ગઈ હતી.
'એલ ચાપો ઇસિડ્રો' એ મેઝા-ફ્લોરેસ ટ્રાન્સનેશનલ ક્રિમિનલ ઓર્ગેનાઇઝેશનનો વડો છે, જે ભૂતકાળમાં કુખ્યાત બેલ્ટ્રાન લેયવા કાર્ટેલ સાથે જોડાયેલો હતો. અમેરિકી એફબીઆઈ દ્વારા તેની ધરપકડ માટે ૫ મિલિયન ડોલરનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું કારણ કે તે અમેરિકામાં હેરોઈન, મેથામ્ફેટામાઈન, કોકેઈન અને ફેન્ટાનીલ જેવા પ્રતિબંધિત નશીલા પદાર્થોની આયાત અને વિતરણ કરવાનો મુખ્ય આરોપી છે. વર્ષ ૨૦૧૩માં અમેરિકી ટ્રેઝરી વિભાગ દ્વારા તેના સંગઠનને હિંસક ગેંગ વોરમાં સંડોવાયેલું જાહેર કરાયું હતું. સુરક્ષા વિશ્લેષકો ચેતવણી આપી રહ્યા છે કે કાર્ટેલના માત્ર શીર્ષ નેતાઓની ધરપકડ કરવાથી તેમનું આખું નેટવર્ક નાશ પામતું નથી, પરંતુ તેનાથી સત્તા માટેનો સંઘર્ષ વધુ તીવ્ર બની શકે છે અને ભવિષ્યમાં વધુ હિંસા ફાટી નીકળી શકે છે. હાલમાં સિનાલોઆમાં નાગરિકોની સુરક્ષા માટે સેનાને તૈનાત રાખવામાં આવી છે અને આ ઓપરેશનને બંને દેશો વચ્ચેની સફળ ગુપ્તચર ભાગીદારીનું પરિણામ માનવામાં આવી રહ્યું છે.
