કેનેડાના બ્રિટિશ કોલંબિયા કિકાંઠે સંશોધકોએ એક અભૂતપૂર્વ પદ્ધતિ દ્વારા હંપબેક વ્હેલના શ્વાસના નમૂના એકત્ર કરીને તેમનું સમગ્ર જિનેટિક મેપિંગ સફળતાપૂર્વક પૂરું કર્યું છે. સેન્ટ એન્ડ્રુઝ યુનિવર્સિટીની વૈજ્ઞાનિક ટીમે વ્હેલ માછલીને જરાય સ્પર્શ કર્યા વિના અથવા ડાર્ટ્સ કે બાયોપ્સી જેવી પીડાદાયક પદ્ધતિઓનો ઉપયોગ કર્યા વિના શ્વાસના ફોરામાંથી ડીએનએ મેળવ્યા છે. વૈજ્ઞાનિકોએ નાના ડ્રોન પર સ્ટેરાઈલ પેટ્રી ડિશ લગાવીને જ્યારે વ્હેલ પાણીની સપાટી પર આવીને શ્વાસ બહાર કાઢતી હતી, ત્યારે તે હવામાંથી પાણીના સૂક્ષ્મ છાંટા એકત્રિત કર્યા હતા. આ ટેકનિક દ્વારા ૨૦૨૨ અને ૨૦૨૩ દરમિયાન કુલ ૫૮ નમૂનાઓ મેળવવામાં આવ્યા હતા, જે વ્હેલ સંશોધન ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું સાબિત થયું છે.
આ સંશોધનમાં એકત્રિત કરાયેલા નમૂનાઓની ચકાસણી કરતા જાણવા મળ્યું કે સેમ્પલમાં રહેલું અંદાજે ૮૪ ટકા ડીએનએ સીધું વ્હેલનું જ હતું, જ્યારે બાકીના ભાગમાં શ્વસન નળીના સૂક્ષ્મજીવો અને દરિયાઈ પાણી સામેલ હતા. આ સેમ્પલના આધારે વૈજ્ઞાનિકોએ ન્યુક્લિયર જીનોમ અને માઈટોકોન્ડ્રિયલ જીનોમનું સિક્વન્સિંગ કર્યું હતું, જેના પરિણામો પરંપરાગત બાયોપ્સી પદ્ધતિઓ સાથે સંપૂર્ણપણે સુસંગત રહ્યા હતા. આ અત્યાધુનિક પદ્ધતિ દ્વારા સંશોધકોએ ઉત્તર પ્રશાંત મહાસાગરની હંપબેક વ્હેલની વસ્તીમાં અગાઉ ક્યારેય ન નોંધાયેલી ત્રણ નવી જિનેટિક વિવિધતાઓ (જેનેટિક વેરિઅન્ટ્સ) શોધી કાઢી છે અને દરેક વ્હેલનું જાતીય પરીક્ષણ પણ સફળતાપૂર્વક પાર પાડ્યું છે.
આ નવીનતમ ટેકનોલોજીથી વ્હેલના સ્વાસ્થ્ય અને તેમના શ્વસન તંત્રમાં રહેલા માઈક્રોબાઈમ્સનો અભ્યાસ કરવો વધુ સરળ બન્યો છે. પર્યાવરણ અને વ્હેલના વર્તનને ધ્યાનમાં રાખીને ડ્રોનને અત્યંત સાવચેતીપૂર્વક ઉડાડવામાં આવ્યું હતું જેથી વિશાળ દરિયાઈ જીવોને કોઈપણ પ્રકારની ખલેલ ન પહોંચે. આ પદ્ધતિ ભવિષ્યમાં દરિયાઈ જીવવિજ્ઞાન અને જિનેટિક્સના ક્ષેત્રમાં સંશોધકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, કારણ કે તે માત્ર સુરક્ષિત જ નથી પરંતુ વ્હેલ સંરક્ષણ અને તેમની વસ્તીના અભ્યાસ માટે એક અત્યંત વ્યવહારુ અને ઓછામાં ઓછી દખલગીરી ધરાવતો માર્ગ પૂરો પાડે છે.
