રાજકોટ શહેરમાં તબીબી ક્ષેત્રે એક અનોખી અને સફળ સર્જરી સામે આવી છે, જ્યાં ૪૦ વર્ષીય મહિલા દર્દી છેલ્લા બે વર્ષથી નાક બંધ રહેવાની અને શ્વાસ લેવામાં પડતી ગંભીર મુશ્કેલીઓથી પીડાઈ રહી હતી. તેમને વારંવાર માથાનો દુખાવો, નાકમાંથી પાણી પડવું અને મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લેવા જેવી તકલીફો રહેતી હતી. સામાન્ય દવાઓથી કોઈ ખાસ રાહત ન મળતા જ્યારે વિગતવાર મેડિકલ તપાસ અને સીટી સ્કેન કરવામાં આવ્યું, ત્યારે ચોંકાવનારી બાબત સામે આવી કે નાકના મધ્યસ્થ પડદામાં વાંકાપણાની સાથે જમણા નાકથી શરૂ થઈને સમગ્ર નાસિકાગુહા અને ગળાના પાછળના ભાગ સુધી એક વિશાળ નેસલ પોલિપ (મસો) ફેલાયેલો હતો.
આ જટિલ સમસ્યાના નિવારણ માટે રાજકોટના પ્રખ્યાત ઈએનટી સર્જન ડો. હિમાંશુ ઠક્કરે એન્ડોસ્કોપિક સાઇનસ સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. આધુનિક એન્ડોસ્કોપ (દૂરબીન) અને ખાસ વિશિષ્ટ સર્જિકલ સાધનોની મદદથી ડૉક્ટરે અત્યંત કુશળતાપૂર્વક અંદાજે ૧૮.૫ સેન્ટિમીટર લાંબો અને ૩ સેન્ટિમીટર પહોળો વિશાળ પોલિપ નાકના કુદરતી માર્ગ દ્વારા જ બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. સૌથી મોટી રાહતની વાત એ રહી કે આટલી મોટી ગાંઠ હોવા છતાં સર્જરી દરમિયાન દર્દીના ચહેરા પર બહારથી કોઈ જ કાપ કે ટાંકા લેવાની જરૂર પડી નહોતી, અને ઓપરેશન સફળ રહેતા હાલ દર્દી સંપૂર્ણપણે સ્થિર અને સ્વસ્થ છે.
આ સફળ ઓપરેશન બાદ જનજાગૃતિ ફેલાવતા ડો. હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે નાક બંધ રહેવું, વારંવાર શરદી થવી અથવા શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા સામાન્ય લાગતા લક્ષણોને ક્યારેય અવગણવા જોઈએ નહીં. આ લક્ષણો એલર્જિક રાઇનાઇટિસ કે પોલિપ જેવા ગંભીર રોગના સંકેત હોઈ શકે છે, તેથી સમયસર નિષ્ણાત તબીબ પાસે તપાસ કરાવી જરૂરી છે. જાતે દવાઓ લેવાના બદલે યોગ્ય સમયે યોગ્ય નિદાન અને સારવાર કરાવવાથી દર્દી જીવનની સામાન્ય ગુણવત્તા પુનઃ પ્રાપ્ત કરી શકે છે અને મોટી જટિલતાઓથી બચી શકે છે.
