JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

યુરોપિયન યુનિયનનો નવો બજેટ ડ્રાફ્ટ: ફંડ એકત્ર કરવા માટે ગ્લોબલ 'બિગ ટેક' કંપનીઓ પર ટેક્સ લાદવાની યોજના

યુરોપિયન યુનિયનનો નવો બજેટ ડ્રાફ્ટ: ફંડ એકત્ર કરવા માટે ગ્લોબલ 'બિગ ટેક' કંપનીઓ પર ટેક્સ લાદવાની યોજના
યુરોપિયન યુનિયને આગામી બજેટની ખાધ પૂરવા માટે વૈશ્વિક ડિજિટલ દિગ્ગજ કંપનીઓ પર ટેક્સ નાખવાની દરખાસ્ત કરી છે. જોકે, આ નવા ડ્રાફ્ટને લઈને જર્મની અને ફ્રાન્સ જેવા સભ્ય દેશો વચ્ચે મતભેદો સામે આવ્યા છે.

યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ યુરોપિયન યુનિયન (EU) ના આગામી લાંબા ગાળાના બજેટ માટે એક નવી અને મહત્ત્વપૂર્ણ ખર્ચ દરખાસ્ત રજૂ કરી છે. સભ્ય દેશો વચ્ચેના આર્થિક મતભેદોને દૂર કરવાના હેતુથી રજૂ કરાયેલા આ નવા ડ્રાફ્ટમાં અગાઉના પ્રસ્તાવ કરતાં ૨૦૪ અબજ યુરોનો મોટો કાપ મૂકવામાં આવ્યો છે. આ નવા બજેટ ફંડને મજબૂત બનાવવા અને સભ્ય દેશોના ફાળાને સંતુલિત કરવા માટે યુનિયને વિશ્વની સૌથી મોટી ડિજિટલ કંપનીઓ પર વિશેષ ટેક્સ વસૂલવાની યોજના બનાવી છે. આ ટેક્સ મુખ્યત્વે એવી ટેકનોલોજી કંપનીઓને લાગુ પડશે જે યુરોપમાં ઓછામાં ઓછા ૫૦ મિલિયન યુરો અને વૈશ્વિક સ્તરે ૭૫૦ મિલિયન યુરોનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી હોય.

આ પ્રસ્તાવિત ડિજિટલ ટેક્સ અંતર્ગત ઓનલાઈન જાહેરાતો, ડિજિટલ મિડિએશન સર્વિસિસ અને યુઝર-જનરેટેડ ડેટાથી થતી વાર્ષિક નેટ આવક પર ૩ ટકા લેખે વાર્ષિક યોગદાન લેવામાં આવશે. કાઉન્સિલના અંદાજ મુજબ આ પ્રકારના નવાં આવક સ્ત્રોતો દ્વારા યુરોપિયન યુનિયન દર વર્ષે આશરે ૬૦ અબજ યુરોનું ભંડોળ એકત્ર કરી શકશે. ડિજિટલ ટેક્સ ઉપરાંત આ ડ્રાફ્ટમાં ઇલેક્ટ્રોનિક વેસ્ટ લેવી, તમાકુ પર ઊંચા ટેક્સ તેમજ ક્રિપ્ટો એસેટ્સ અને રેડિયો સ્પેક્ટ્રમ ઓક્શન પર પણ ટેક્સ વસૂલવાની સંભાવનાઓ ચકાસવામાં આવી રહી છે. જોકે, અમેરિકન ટેક કંપનીઓને લક્ષ્ય બનાવતી આ નીતિ સામે ભવિષ્યમાં યુએસ પ્રશાસન તરફથી નારાજગી વ્યક્ત થવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.

બ્રસેલ્સમાં આગામી સપ્તાહે મળનારી બેઠકમાં આ ડ્રાફ્ટને લઈને ઉગ્ર ચર્ચાઓ થવાની સંભાવના છે કારણ કે જર્મની જેવા 'ફ્રુગલ' (ઓછો ખર્ચ કરનારા) દેશો આ બજેટનું કદ હજુ પણ વધારે હોવાનું માની રહ્યા છે, જ્યારે ફ્રાન્સ અને અન્ય કૃષિપ્રધાન દેશો ખેડૂતોની સહાય તથા ક્ષેત્રીય વિકાસ માટે પૂરતા ભંડોળની માંગ કરી રહ્યા છે. વર્ષ ૨૦૨૭ની ચૂંટણીના વર્ષ પહેલાં અને ડિસેમ્બરના અંત સુધીમાં આ નાણાકીય સમજૂતી પર અંતિમ મહોર મારવા માટે એન્ટોનિયો કોસ્ટા સઘન પ્રયાસો કરી રહ્યા છે. એક તરફ સભ્ય દેશોના વિરોધાભાસી વલણ અને બીજી તરફ સંસદના દબાણ વચ્ચે યુરોપિયન યુનિયન માટે આ મહત્વાકાંક્ષી બજેટ પર સર્વસંમતિ સાધવી એક અત્યંતટફ અને પડકારજનક કાર્ય સાબિત થઈ રહ્યું છે.

દેશ-વિદેશ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES