JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ભારતીય લશ્કરી ડ્રોન ટેન્ડરોમાં ચીની ઉપકરણોની ઘૂસણખોરી સામે 'ડ્રોન ફેડરેશન'ની ગંભીર ચિંતા

ભારતીય લશ્કરી ડ્રોન ટેન્ડરોમાં ચીની ઉપકરણોની ઘૂસણખોરી સામે 'ડ્રોન ફેડરેશન'ની ગંભીર ચિંતા
ભારતીય સેનાના સરકારી ઈ-માર્કેટપ્લેસ પરના ટેન્ડરોમાં ચીની ડ્રોન અને તેના પાર્ટ્સની માંગણી સામે આવતા સુરક્ષા જોખમો ઊભા થયા છે. ડ્રોન ફેડરેશન ઓફ ઇન્ડિયાએ સંરક્ષણ મંત્રાલય સમક્ષ સત્તાવાર રજૂઆત કરીને કડક પગલાં લેવાની માંગ કરી છે.

ભારતીય સંરક્ષણ ક્ષેત્રની સ્વદેશી ડ્રોન ઇકોસિસ્ટમનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા 'ડ્રોન ફેડરેશન ઓફ ઇન્ડિયા' (DFI) દ્વારા તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. ડીએફઆઈએ સંરક્ષણ સચિવ અને ચીફ ઓફ ડિફરન્સ સ્ટાફ સમક્ષ સત્તાવાર રજૂઆત કરીને જણાવ્યું છે કે છેલ્લા છ વર્ષ દરમિયાન સરકારી ઈ-માર્કેટપ્લેસ (GeM) પર બહાર પાડવામાં આવેલા 689 જેટલા લશ્કરી ટેન્ડરોમાં ખાસ કરીને ચીની ડ્રોન અથવા તેના ઉપકરણોની સ્પષ્ટ માંગણી કરવામાં આવી હતી. આ બાબત દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટું જોખમ સાબિત થઈ શકે છે, કારણ કે સેના અને સરકારી એજન્સીઓ દ્વારા ખરીદવામાં આવતા આ સાધનોમાં વિદેશી સંવેદનશીલ ટેકનોલોજી સામેલ હોવાથી ગુપ્ત માહિતી લીક થવાની પૂરી સંભાવના રહે છે.

સંસ્થા દ્વારા માર્ચ 2021થી નવેમ્બર 2026 સુધીના GeM ટેન્ડરોના ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં બહાર આવ્યું કે કુલ ટેન્ડરોના 84 ટકા એટલે કે 689 ટેન્ડરો એકલા ભારતીય લશ્કર દ્વારા જ બહાર પાડવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક રીતે, વર્ષ 2025માં આવા 190 ટેન્ડરો હતા, જે વર્ષ 2026ના શરૂઆતી અગિયાર મહિનામાં જ વધીને ડબલ એટલે કે 355 પર પહોંચી ગયા છે. ડીએફઆઈએ ડીજેઆઈ (DJI), રેડિયોમાસ્ટર, સ્પીડીબી અને સીવાઈઆઈ (SIYI) સહિત ચીનમાં મુખ્ય મથક ધરાવતી 16 પ્રમુખ બ્રાન્ડ્સ અને તેના પાર્ટ્સની યાદી પણ રજૂ કરી છે, જેમાંથી માત્ર ડીજેઆઈ અને રેડિયોમાસ્ટર જેવી કંપનીઓના નામ જ 450થી વધુ ટેન્ડરોમાં સીધી કે આડકતરી રીતે સામેલ છે.

આ ગંભીર મુદ્દે પ્રતિક્રિયા આપતા સરકારી અધિકારીઓએ જણાવ્યું કે GeM એ એક પારદર્શક પ્લેટફોર્મ છે જે ખરીદનાર અને વેચાણકર્તાને જોડે છે, જ્યાં ખરીદનાર માત્ર પોતાની જરૂરિયાતની તકનીકી વિશિષ્ટતાઓ (સ્પેસિફિકેશન) નક્કી કરી શકે છે અને સૌથી નીચા ભાવે બોલી લગાવનારને કોન્ટ્રાક્ટ મળે છે. જોકે, આ વિવાદ બાદ ઉદ્યોગ જગતમાંથી એવી પ્રબળ માંગ ઉઠી રહી છે કે લશ્કરી ખરીદીમાં ચીની ઉપકરણોના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ અને પ્રત્યેક બિડમાં 'કંટ્રી ઓફ ઓરિજિન' (ઉત્પત્તિ દેશ) જાહેર કરવું અનિવાર્ય બનાવવું જોઈએ જેથી દેશની સુરક્ષા અકબંધ રહી શકે.

દેશ-વિદેશ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES