માનવજાતે ૧૯૬૯માં ચંદ્ર પર પહેલું પગલું મૂક્યા પછી ત્યાં વસવાટ કરવાના સપનાં જોવાનું શરૂ કર્યું હતું. જોકે તાજેતરના વર્ષોમાં અવકાશ સંશોધનોનું ધ્યાન મંગળ તરફ વધુ કેન્દ્રિત થયું છે, પરંતુ ચંદ્ર પર કાયમી માનવ વસાહત સ્થાપવાનો વિચાર હજુ પણ જીવંત છે. પૃથ્વીથી લાખો કિલોમીટર દૂર ચંદ્ર પર ઘર બનાવવું કેવું રહેશે અને ત્યાં કેવી રીતે રહી શકાશે તે એક મોટો પડકાર છે. આ જ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા માટે નાસાએ યુએસની હાઇસ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે 'મૂન બેઝ ચેલેન્જ' નામની વિશેષ સ્પર્ધાનું આયોજન કર્યું છે, જેમાં વિજેતાઓને ૧ મિલિયન ડૉલર એટલે કે લાખો રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.
આ મહત્ત્વાકાંક્ષી સ્પર્ધાનો મુખ્ય હેતુ ચંદ્ર પર વસવાટ કરવા સામે આવતી છ મુખ્ય ટેકનિકલ સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે. જેમાં પાવર જનરેશન અને સ્ટોરેજ, ચંદ્ર પર મકાનો અથવા વસાહતોનું નિર્માણ, જીવનરક્ષક પ્રણાલીઓ (લાઇફ સપોર્ટ), ચંદ્રની સપાટી પર અવરજવર માટેની ગતિશીલતા, વિશ્વસનીય સંચાર નેટવર્ક અને અવકાશયાત્રીઓની સુરક્ષા જેવા મહત્ત્વના મુદ્દાઓ સામેલ છે. નાસાના મૂન બેઝ પ્રોગ્રામના મેનેજર કાર્લોસ ગાર્સિયા-ગલાને જણાવ્યું હતું કે ચંદ્ર પર બેઝ બનાવતી વખતે અમે યુવા મનોવિજ્ઞાન અને તેમની નવીન શોધોનો મહત્તમ લાભ લેવા માંગીએ છીએ, જેથી આપણા સંશોધકો ત્યાં સુરક્ષિત રહીને કામ કરી શકે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓએ ૨ થી ૫ સભ્યોની ટીમ બનાવવાની રહેશે અને ૨૫ જાન્યુઆરી, ૨૦૨૭ સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૭ સુધીમાં પ્રોજેક્ટ પ્રસ્તાવ જમા કરાવવાનો રહેશે અને ૬ મે, ૨૦૨૭ના રોજ વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે. નાસા એડમિનિસ્ટ્રેટર જારેડ ઇસાકમેને જણાવ્યું હતું કે યુવાનોએ ગ્રેજ્યુએશન સુધી રાહ જોવાની જરૂર નથી; ઉત્સુકતા અને મુશ્કેલ સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા જ ભવિષ્યના નિર્માણ માટે જરૂરી છે. વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા આ યુવા વિદ્યાર્થીઓના મગજમાંથી જ ચંદ્ર પર જીવન શક્ય બનાવનારા ઉત્તમ વિચારો બહાર આવશે તેવી નાસાને પૂરી આશા છે.
