JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કાનૂની ક્રાઈમ

નિર્દોષ છૂટવા છતાં સાત વર્ષ જેલમાં વિતાવનાર કેદીને ૩૦ લાખ વળતર ચૂકવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ

નિર્દોષ છૂટવા છતાં સાત વર્ષ જેલમાં વિતાવનાર કેદીને ૩૦ લાખ વળતર ચૂકવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટે ન્યાયતંત્રની ગંભીર નિષ્ફળતા દર્શાવતા એક કમનસીબ કેદીને ૩૦ લાખ રૂપિયા વળતર આપવાનો હુકમ કર્યો છે. અદાલતના નિર્દોષ મુક્તિના આદેશ સમયસર જેલ સુધી ન પહોંચતા દેવીલાલ ગોંડ નામના નાગરિકે નિર્દોષ હોવા છતાં વધારાના સાત વર્ષ જેલમાં વિતાવવા પડ્યા હતા.

નવી દિલ્હીના સર્વોચ્ચ અદાલતે આપેલો આ ચુકાદો આપણા ફોજદારી ન્યાય તંત્રની કામગીરી અને પ્રશાસનિક વ્યવસ્થા પર ગંભીર સવાલો ખડા કરે છે. જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જ મસીહ અને જસ્ટિસ સંજીવ સચદેવાની પીઠે સ્પષ્ટ શબ્દોમાં આ સમગ્ર ઘટનાને અપરાધિક ન્યાય પ્રશાસનની ઘોર નિષ્ફળતા ગણાવી છે. કેસની વિગતવાર વાત કરીએ તો, દેવીલાલ ગોંડની ૭ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ હત્યાના એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને સત્ર ન્યાયાલયે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે, છત્તીસગઢ હાઈકોર્ટે ૨૦ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ જ તેની સજા રદ્દ કરીને તેને નિર્દોષ જાહેર કરી દીધો હતો, પરંતુ કમનસીબીની પરાકાષ્ઠા તો જુઓ કે તે ૧૯ મે ૨૦૨૫ સુધી જેલના સળિયા પાછળ જ બંધ રહ્યો હતો.

આ કેસમાં રાજ્ય સરકારે બચાવ કરતા જેલ અને અધિકારીઓ વચ્ચે પરસ્પર તાલમેલના અભાવને આટલા મોટા વિલંબનું મુખ્ય કારણ ગણાવ્યું હતું, જે તંત્રની અસંવેદનશીલતા છતી કરે છે. અગાઉ હાઈકોર્ટે આ મામલામાં માત્ર બે લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જે પૂરતો ન લાગતા દેવીલાલ ગોંડ ન્યાય મેળવવા માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા મજબૂર બન્યા હતા. સર્વોચ્ચ અદાલતે આ પીડિતની વેદનાને સમજીને તેને ૩૦ લાખ રૂપિયાનું મોટું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે, જેથી ખોટી રીતે કેદ ભોગવનાર વ્યક્તિને આર્થિક સહારો મળી શકે.

આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે સુપ્રીમ કોર્ટે દેશભરમાં એક મજબૂત કાનૂની માળખું અને ટેકનોલોજી આધારિત વ્યવસ્થા ઊભી કરવા પર ભાર મૂક્યો છે. અદાલતે તમામ હાઈકોર્ટોને નિર્દેશ આપ્યો છે કે તેઓ મધ્યપ્રદેશ હાઈકોર્ટની જેમ 'ઓનલાઈન ક્રિમિનલ જસ્ટિસ ઇકોસિસ્ટમ' જેવું કોમન મંચ બનાવવા પર ગંભીરતાથી વિચાર કરે, જ્યાં પોલીસ, અદાલત, જેલ અને હોસ્પિટલોનો ડેટા સુરક્ષિત રહે અને ન્યાયિક આદેશોની આપ-લે ત્વરિત થઈ શકે. દેશમાં ખોટી રીતે જેલમાં રખાયેલા લોકોને વળતર આપવા માટે હજુ સુધી કોઈ ચોક્કસ કાયદો ન હોવાથી, સંસદે આ બાબતે તાકીદે યોગ્ય કાયદો બનાવવો જોઈએ તેવી પણ અદાલતે ટકોર કરી છે.

કાનૂની ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES