ભારતીય સંરક્ષણ દળોના મુખ્યાલય સંકલિત સંરક્ષણ સ્ટાફ અને દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના માર્ગદર્શન હેઠળ જામનગરના એરફોર્સ સ્ટેશન પર ચાલી રહેલી બહુરાષ્ટ્રીય વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાય અને આપદા રાહત કવાયત 'સહાયતા સેતુ'નો આજે ત્રીજો અને અંતિમ દિવસ ખૂબ જ સફળ રહ્યો હતો. આ ભવ્ય અભિયાનમાં ભારતીય સેના, વાયુસેના, નૌકાદળ ઉપરાંત રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ (NDRF), વિદેશ મંત્રાલય અને ડીઆરડીઓ (DRDO) જેવી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય મિત્ર વિદેશી દેશો સાથે મળીને આપત્તિના સમયમાં ઝડપી અને અસરકારક પ્રતિભાવ આપવાની ક્ષમતાઓને મજબૂત કરવાનો હતો.
અંતિમ દિવસે આયોજિત કાર્યક્રમમાં ભારતના વધતા જતા વૈશ્વિક માનવતાવાદી અને આપદા રાહત (HADR) પદચિહ્ન પર વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં અગાઉના સફળ અભિયાનો જેવા કે ઓપરેશન એમિસ્ટેડ, ઓપરેશન બ્રહ્મા અને ઓપરેશન સાગર બંધુના કેસ સ્ટડી રજૂ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વિસ્તરી રહેલી માનવતાવાદી ભૂમિકાને બિરદાવવામાં આવી હતી. આ ઉપરાંત, આપદા વ્યવસ્થાપનમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, પરિસ્થિતિગત જાગૃતિમાં વધારો અને સંકલિત ઓપરેશનલ પ્લાનિંગ જેવા મહત્ત્વપૂર્ણ વિષયો પર તજજ્ઞો દ્વારા ગહન મંથન કરવામાં આવ્યું હતું, જેથી ભવિષ્યની જટિલ આપત્તિઓ સામે પૂર્વતૈયારી વધુ સચોટ બની શકે.
સમાપન સમારોહ દરમિયાન સિમ્યુલેટેડ ગંભીર ચક્રવાતી તોફાન જેવી કાલ્પનિક પરિસ્થિતિ ઊભી કરીને અત્યાધુનિક હવાઈ જહાજો અને નિષ્ણાત જવાનો દ્વારા પ્રભાવશાળી રાહત અને બચાવ કામગીરીનું પ્રત્યક્ષ નિર્દેશન કરવામાં આવ્યું હતું. જેમાં જાસૂસી, એર રેસ્ક્યુ, સ્થળાંતરણ, કટોકટી ઓપરેશન કેન્દ્રોની સક્રિયતા, રાહત સામગ્રીનું વિતરણ અને રાહત શિબિરોની સ્થાપના જેવી તમામ પ્રક્રિયાઓનું નિર્વિઘ્ન પાલન કરાયું હતું. આ સાથે જ સેનાના અત્યાધુનિક સાધનો અને શસ્ત્રોનું ભવ્ય પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું, જેણે દેશની આપત્તિ વ્યવસ્થાપન અને રક્ષણાત્મક તાકાતનો પરચો આપ્યો હતો.
