ગુજરાત લલિત કલા અકાદમીના વિશેષ સહયોગથી આયોજિત આ ભવ્ય કલાત્મક પ્રદર્શન ભાવનગરની જાણીતી શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે યોજાશે. અનુભૂતિ આર્ટ ગ્રુપ સાથે જોડાયેલા અને કલા જગતમાં પોતાની આગવી ઓળખ સ્થાપિત કરનાર જામનગરના મોટી ખાવડી નિવાસી જાનવીબા જાડેજા દ્વારા લેવામાં આવેલા લાઈટ અને તેના કુદરતી કે કૃત્રિમ પ્રતિબિંબોના અદભુત ફોટોગ્રાફ્સ આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ બનશે. કલા રસિકો માટે આ પ્રદર્શન આગામી તા ૨૨, ૨૩ અને ૨૪ નવેમ્બર એમ ત્રણ દિવસ સુધી સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી વિનામૂલ્યે ખુલ્લું રહેશે.
આ કલા પ્રદર્શનનો શુભારંભ ભાવનગરના માનનીય ધારાસભ્ય સેજલબેન પંડ્યાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવશે. આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં કલા જગત અને સામાજિક ક્ષેત્રના અનેક દિગ્ગજો વિશેષ ઉપસ્થિત રહેશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરિયા, કલા સંવર્ધક હિમાચલ મહેતા, યોગ ચેમ્પિયન હેતસ્વી સોમાણી, સિનિયર આર્ટિસ્ટ ડો. અશોક પટેલ તેમજ ક્ષિતિજ આર્ટના અજય ચૌહાણ સહિતના મહાનુભાવો કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહેશે.
જાનવીબા જાડેજાએ પોતાના કેમેરાની લેન્સ દ્વારા પ્રકાશના અદભુત રંગો અને તેના અરીસા જેવા પ્રતિબિંબોને ખુબ જ ઝીણવટપૂર્વક અને કલાત્મક રીતે આ ફોટોગ્રાફ્સમાં કંડાર્યા છે, જે દર્શકોને મંત્રમુગ્ધ કરી દે તેવા છે. ફોટોગ્રાફી ક્ષેત્રે રસ ધરાવતા યુવાનો અને સામાન્ય જનતા માટે આ પ્રદર્શન એક નવો દ્રષ્ટિકોણ પૂરું પાડશે. આયોજકો દ્વારા કલા પ્રેમીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને જાનવીબાની આ અનોખી કલાત્મક સફરને નિહાળવા અને તેને બિરદાવવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
