JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

અમદાવાદના ઉત્તર ઝોનમાં AMC અને પોલીસની સંયુક્ત કાર્યવાહી, જાહેર માર્ગો પરથી દબાણો હટાવી રૂ. 9,800નો દંડ વસૂલાયો

અમદાવાદના ઉત્તર ઝોનમાં AMC અને પોલીસની સંયુક્ત કાર્યવાહી, જાહેર માર્ગો પરથી દબાણો હટાવી રૂ. 9,800નો દંડ વસૂલાયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા ઉત્તર ઝોનમાં જાહેર રસ્તાઓ પરના દબાણો અને ગેરકાયદેસર પાર્કિંગ સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન 146 જેટલો માલસામાન જપ્ત કરી દબાણકર્તાઓ પાસેથી વહીવટી દંડ વસૂલવામાં આવ્યો છે.

શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને નાગરિકોને અવરજવર માટે ખુલ્લા રસ્તાઓ મળી રહે તે હેતુસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં ઉત્તર ઝોન ખાતે પોલીસ અને ટ્રાફિક વિભાગના સંયુક્ત સહયોગથી એક વિશાળ અને સઘન દબાણ હટાવ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર રસ્તાઓ પર લારી-ગલ્લા અને અન્ય ચીજવસ્તુઓ મૂકીને રસ્તો રોકતા ઇસમો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે, જેને સ્થાનિક અસંખ્ય નાગરિકો અને વાહનચાલકો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે.

આ સંયુક્ત ઓપરેશનને સફળ બનાવવા માટે ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગના કર્મચારીઓ ઉપરાંત જી-ડિવિઝન ટ્રાફિક પોલીસ અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને જવાનોનો કાફલો મેદાને ઉતર્યો હતો. આ કામગીરીને અવિરત અને અસરકારક બનાવવા માટે AMCની પાંચ ખાસ દબાણ ગાડીઓ, છ એન્ફોર્સમેન્ટ વાન તેમજ પોલીસના વાહનોનો કાફલો જોડાયો હતો. આ વ્યાપક ટીમ દ્વારા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનથી કડક કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી હતી અને મુખ્ય ધમધમતા વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા.

તંત્રનો આ કાફલો કૃષ્ણનગરથી શરૂ થઈને વિજય પાર્ક ચાર રસ્તા, મારૂતિ પ્લાઝા, સરદારનગર ચોક, રાજીવપાર્ક ચાર રસ્તા થઈને પરત ફરી નંદલાલ વાધવા હોલ, વિક્રમપાર્ક ચાર રસ્તા, હીરાવાડી ચાર રસ્તા અને સ્વામિનારાયણ મંદિર થઈને સુહાના સર્કલ સુધીના મુખ્ય માર્ગો પર ફર્યો હતો. આ રૂટ પર રસ્તાની આસપાસ થયેલા તમામ ગેરકાયદેસર દબાણોને હટાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ સખત પગલાં લેતાં કુલ 146 નંગ માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને 11 જેટલા વાહનો સામે કાર્યવાહી કરીને દબાણકર્તાઓ પાસેથી કુલ રૂ. 9,800નો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હતો.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES