સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં આગ લાગવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ વઢવાણ વિસ્તારમાં આવેલી શ્રદ્ધા હોટેલ નજીક એક ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર (ટીસી)માં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. ડીપીમાં આગ ભભૂકી ઉઠતા જ આસપાસના વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક ધોરણે તંત્રને જાણ કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક પીજીવીસીએલ વિભાગ તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જોકે, કમનસીબે ફાયર બ્રિગેડ અને પીજીવીસીએલની ટીમો સમયસર સ્થળ પર પહોંચી શકી નહોતી. આ દરમિયાન આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કરી દીધું હતું અને તે વધુ ભયજનક બની રહી હતી, જેના કારણે મોટું નુકસાન થવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી હતી.
સદનસીબે, આગ લાગી હતી તેની બિલકુલ નજીક જ એક પેટ્રોલ પંપ આવેલો હોવાથી જો આગ ત્યાં સુધી પહોંચત તો કોઈ મહાહોનારત સર્જાઈ શકતી હતી. આ વિકટ પરિસ્થિતિમાં ત્યાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોએ અસાધારણ સમજદારી અને દાખવીને તાત્કાલિક પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ ફાયર સેફ્ટીના સાધનો મેળવી લીધા હતા. જવાનોએ ભારે જહેમત ઉઠાવીને પોતાની જાતની પરવા કર્યા વગર ટીસીમાં લાગેલી આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો, જેના કારણે સમયસર મોટી દુર્ઘટના ટળી જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
