દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતના પશ્ચિમ છેવાડે વિશાળ દરિયાકાંઠો ધરાવતો હોવાને કારણે સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. જિલ્લાના કુલ 24 ટાપુઓ પૈકી માત્ર 2 ટાપુઓ પર માનવ વસાહત છે, જ્યારે બાકીના 22 ટાપુઓ નિર્જન છે. સુરક્ષા એજન્સીઓના ઇનપુટ્સ અને સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને, તા. 21 નવેમ્બર 2026 થી તા. 17 જાન્યુઆરી 2027 સુધી આ નિર્જન ટાપુઓ પર સામાન્ય નાગરિકોની અવરજવર પર કાપ મૂકવામાં આવ્યો છે. જોકે, અગાઉના સુધારા જાહેરનામા મુજબ નરારા ટાપુને કેટલીક નિર્ધારિત શરતો સાથે આ મંજૂરીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ નિર્જન ટાપુઓ પર કેટલાક ધાર્મિક સ્થળો આવેલા હોવાને કારણે અવારનવાર શ્રદ્ધાળુઓની અવરજવર રહેતી હોય છે, પરંતુ આ એકાંત સ્થળોનો ગેરલાભ લેવા રાષ્ટ્રવિરોધી તત્વો અને દાણચોરો સક્રિય થવાની પૂરી સંભાવના રહે છે. અસામાજિક તત્વો દ્વારા આ ટાપુઓનો ઉપયોગ આશ્રય મેળવવા, હથિયારો કે નશાકારક પદાર્થો છુપાવવા માટે થવાની આશંકા નકારી શકાતી નથી. આ ઉપરાંત, આતંકવાદી સંગઠનો દ્વારા મહત્વપૂર્ણ સ્થાનો અને ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવીને ભાંગફોડની પ્રવૃત્તિઓ આચરવામાં આવે તેવી ભીતિને પગલે તંત્ર દ્વારા આ નિવારક પગલું ભરવામાં આવ્યું છે.
આ જાહેરનામાના અમલ હેઠળ ઘાની ઉર્ફે ડની, ગાંધીયોકડો, કાલુભાર, રોઝી, પાનેરો, ભૈદર અને સામીયાણી સહિતના કુલ 21 નિર્જન ટાપુઓ પર પ્રવેશ માટે સંબંધિત વિસ્તારના પ્રાંત અધિકારી તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની લેખિત પૂર્વ મંજૂરી મેળવવી અનિવાર્ય છે. પ્રશાસન દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે અને તે શિક્ષાને પાત્ર બનશે.
