અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલું ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સૈજપુર તળાવ આજે તંત્રની ઘોર બેદરકારી અને અસંવેદનશીલતાનું જીવંત ઉદાહરણ બની ગયું છે. તળાવના બ્યુટિફિકેશન અને વિકાસ પાછળ લાખો રૂપિયાના ખર્ચ કરવાના મોટા-મોટા દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે વાસ્તવિક જમીની હકીકત તદ્દન વિપરીત છે. આજે આ તળાવ પરિસરમાં ચારેય બાજુ ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે અને યોગ્ય જાળવણીના સંપૂર્ણ અભાવે તેની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. તળાવના કિનારે તેમજ પાણીની અંદર પ્લાસ્ટિકનો કચરો, પૂજાપો અને અસંખ્ય ઘન કચરાના ઢગલા સ્પષ્ટપણે નજરે પડે છે, જે તંત્રની કામગીરી પર સવાલો ઊભા કરે છે.
નિયમિત સફાઈ કામગીરીના અભાવે તળાવનું પાણી સાવ લીલું પડી ગયું છે અને તેમાંથી સતત ઉભરાતી તીવ્ર દુર્ગંધને કારણે આસપાસના રહેવાસીઓનું જીવન નર્કાગાર બન્યું છે. આ અસહ્ય દુર્ગંધ અને ગંદકીના કારણે તળાવ કિનારે મોર્નિંગ વોક કે કસરત કરવા આવતા સિનિયર સિટીઝન્સ અને રમવા આવતા બાળકોની સંખ્યામાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, તળાવમાં ભરાયેલા આ ગંદા અને સ્થિર પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ ચરમસીમાએ પહોંચ્યો છે, જેના લીધે આગામી સમયમાં વિસ્તારમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા ગંભીર મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની પૂરી દહેશત સેવાઈ રહી છે, છતાં સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે.
માત્ર ગંદકી જ નહીં, પરંતુ સુરક્ષા અને લાઈટીંગની દ્રષ્ટિએ પણ આ વિસ્તાર રામભરોસે ચાલી રહ્યો છે કારણ કે તળાવની ફરતે આવેલી સુરક્ષા જાળીઓ તૂટી ગઈ છે અને સ્ટ્રીટ લાઈટો પણ લાંબા સમયથી બંધ હાલતમાં છે. રાત્રિના સમયે આખો વિસ્તાર અંધારપટમાં ડૂબેલો રહે છે અને પૂરતી સુરક્ષાના અભાવે સાંજ પડતાંની સાથે જ આ પરિસર અસામાજિક તત્વોનો અડ્ડો બની જાય છે. પરિસ્થિતિ એટલી હદે બગડી છે કે સ્થાનિક પરિવારો હવે આ તળાવની આસપાસ ફરવા કે આવવાથી પણ ડરી રહ્યા છે. ત્યારે સ્થાનિક રહીમાશો દ્વારા વહેલી તકે તંત્ર દ્વારા કડક પગલાં ભરીને આ તળાવનો કાયાકલ્પ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે.
