ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) પ્રેરિત અને નાલંદા કેળવણી મંડળ સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, મહેસાણા દ્વારા વિજ્ઞાન પ્રત્યે લોકજાગૃતિ ફેલાવવાના હેતુથી એક અનોખા આકાશ દર્શન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક મહિલાઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને બ્રહ્માંડના રહસ્યો વિશે તેમની જિજ્ઞાસા સંતોષાય તેવો સુંદર અભિગમ રાખવામાં આવ્યો હતો, જેમાં વુમન ક્લબની બહેનોએ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
આ કાર્યક્રમ દરમિયાન એમ.એન. કોલેજના પ્રોફેસર અને અવકાશ વિજ્ઞાનના ખ્યાનામ તજજ્ઞ ડો. મયુરભાઈ પટેલે વિશેષ ઉપસ્થિત રહીને બહેનોને અવકાશ વિજ્ઞાનની જટિલ બાબતો અત્યંત સરળ અને રસપ્રદ શૈલીમાં સમજાવી હતી. તેમણે ગ્રહો, નક્ષત્રો અને અવકાશી પિંડો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ સત્ર બાદ આકાશ દર્શનના મુખ્ય આકર્ષણ રૂપે ટેલિસ્કોપની મદદથી ચંદ્રની સપાટી અને શનિ ગ્રહના વલયોનું પ્રત્યક્ષ નિદર્શન કરાવવામાં આવ્યું હતું, જેને નિહાળીને ઉપસ્થિત તમામ મહિલાઓએ વિજ્ઞાનના એક અદ્ભુત અને નવા જ અનુભવનો આનંદ માણ્યો હતો.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા બદલ વુમન ક્લબની બહેનોએ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડિનેટર ડો. પરેશકુમાર જે. પટેલ, તજજ્ઞ ડો. મયુરભાઈ પટેલ, આઈ.પી. ઓફિસર આનંદભાઈ વાઘેલા તેમજ વિજ્ઞાન પ્રચારક બ્રિજલબેન અને રિયાબેનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી સમાજમાં, વિશેષ કરીને મહિલાઓમાં વિજ્ઞાન અને અવકાશ સંશોધન પ્રત્યે રૂચિ વધશે અને ભવિષ્યમાં યુવા પેઢીમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ સહુએ વ્યક્ત કર્યો હતો.
