રાજકોટ જિલ્લાના જસદણ અને વિંછીયા તાલુકાના પટેલ સમાજ દ્વારા સામાજિક સમરસતા અને ઉત્સાહના માહોલ વચ્ચે આગામી તારીખ ૧૬ ને સોમવારના રોજ સાંજના સમયે એક ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના આટકોટ રોડ પર સ્થિત પટેલ સમાજની વાડી ખાતે 'સખી સ્નેહમિલન', 'દીકરી કુળનો દીપક', મહાઆરતી તેમજ રાસ-ગરબાના રંગારંગ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનને સફળ બનાવવા માટે સમગ્ર પંથકના પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આ ભવ્ય સામાજિક મહોત્સવની વિશેષતા એ છે કે તેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ખોડલધામ ટ્રસ્ટના અગ્રણી અને પ્રણેતા નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહેવાના છે. સમાજની દીકરીઓ અને મહિલાઓના ઉત્સાહવર્ધન માટે યોજાતા આ કાર્યક્રમમાં સખી બહેનો દ્વારા બંને દિગ્ગજ મહાનુભાવોનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. આ મહાસંમેલન થકી સમાજના લોકો એક તાંતણે બંધાઈને સામાજિક એકતાના દર્શન કરાવશે અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ જામશે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે જસદણ અને વિંછીયા પંથકના અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. જેમાં પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી, પૂર્વ ભાજપ પ્રમુખ ધીરુભાઈ ભાયાણી, વિનુભાઈ ધડુક, ભરતભાઈ છાયાણી, નરેશભાઈ ચોહલીયા, પી.વી. ભાયાણી, મંડળીના પ્રમુખ પ્રવીણભાઈ છાયાણી, જાદવભાઈ માળવીયા, વલ્લભબાપા લાડોલા, શ્રીકાન્તભાઈ વેકરીયા અને કેતનભાઈ લાડોલા સહિતના અગ્રણીઓ મુખ્યમંત્રી અને અન્ય મહેમાનોને આવકારવા માટે પૂર્ણપણે સજ્જ છે. આ અદ્ભુત આયોજનથી જસદણ પંથકમાં રાજકીય અને સામાજિક વાતાવરણ ગુંજી ઉઠશે.
