JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

અમદાવાદના સરખેજમાં ભોંયરામાંથી ઝડપાઈ એમડી ડ્રગ્સ બનાવતી મીની ફેક્ટરી, NCB અને પોલીસના સંયુક્ત દરોડા

અમદાવાદના સરખેજમાં ભોંયરામાંથી ઝડપાઈ એમડી ડ્રગ્સ બનાવતી મીની ફેક્ટરી, NCB અને પોલીસના સંયુક્ત દરોડા
અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેણાંક મકાનના ભોંયરામાં ગુપ્ત રીતે ધમધમતી એમડી ડ્રગ્સની ફેક્ટરીનો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનથી તાલીમ મેળવીને ગૂગલની મદદથી ડ્રગ્સ બનાવતા કુખ્યાત આરોપી મુદ્દસર પઠાણની ધરપકડ કરી રતલામ સુધી તપાસના તાર લંબાવવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલ લબ્બેક પાર્ક ખાતે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સામાન્ય દેખાતા એક રહેણાંક મકાનના ભોંયરામાં ગુપ્ત લેબ ઊભી કરીને કુખ્યાત શખ્સ દ્વારા એમડી ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને સરખેજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સફળ સંયુક્ત ઓપરેશનમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો ભાંડો ફૂટ્યો છે. ડીસીપી શિવમ વર્મા દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, મુખ્ય આરોપી મુદ્દસર પઠાણ ખાસ રાજસ્થાનથી ડ્રગ્સ બનાવવાની તાલીમ મેળવીને આવ્યો હતો અને ત્યારબાદ ગૂગલની મદદથી છેલ્લા એક વર્ષથી આ જોખમી ખેલ ચલાવી રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી દરોડા પાડીને બ્રોમિન સહિતના આશરે 20 જેટલા અતિ જોખમી કેમિકલ્સ અને રો મટીરિયલ જપ્ત કર્યા છે, જે અંકલેશ્વર, અમદાવાદ અને રતલામથી લાવવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આરોપી મુદ્દસર પઠાણનો ગુનાહિત ઇતિહાસ પણ ભારે ગંભીર રહ્યો છે, અગાઉ તેની સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં મારામારી, હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ અને વાહનો સળગાવવા જેવા ચાર જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી નશાની લતનો શિકાર હોવાનું જણાવીને પોતે જ વપરાશ માટે ડ્રગ્સ બનાવતો હોવાનું રટણ કરી રહ્યો છે, પરંતુ સ્થળ પરથી મળી આવેલા કેમિકલના મોટા જથ્થાને કારણે આ ડ્રગ્સ વ્યાપારી હેતુથી વેચાણ માટે જ બનતું હોવાની પ્રબળ શંકા છે. આરોપી માત્ર પોતાના મકાન પૂરતો સીમિત ન હતો પરંતુ આ પ્રકરણના તાર 'રતલામ કેફે' સુધી લંબાયેલા હોવાનું ખૂલતા NCBની ટીમે ત્યાં પણ સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

રતલામ કેફેમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન ત્યાં કામ કરતા દેવરામ નામના કર્મચારીની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે આ કેફે મોડી રાત સુધી ધમધમતું અને મુખ્ય આરોપી મુદ્દસર નિયમિતપણે ત્યાં આવીને રાત્રિના સમયે સમગ્ર કેફેનું સંચાલન સંભાળતો હતો. સુરક્ષા અને તપાસ એજન્સીઓ દ્વારા આ રેકેટના અન્ય સહયોગીઓ અને ડ્રગ્સ ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરમાં રહેણાંક વિસ્તારની વચ્ચે આ પ્રકારે ગુપ્ત લેબ બનાવીને ચાલતા ગેરકાયદેસર ડ્રગ્સના કારખાનાએ સ્થાનિક રહીશો અને પોલીસ તંત્રમાં પણ ચિંતા ફેલાવી દીધી છે.

LATEST ARTICLES