JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

અમદાવાદમાં ફૂડ ડિલિવરીની મોટી બેદરકારી: વેજ બિરયાનીના ઓર્ડરમાં નોન-વેજ નીકળતા ધર્મભ્રષ્ટ થયાની યુવતીઓની વેદના

અમદાવાદમાં ફૂડ ડિલિવરીની મોટી બેદરકારી: વેજ બિરયાનીના ઓર્ડરમાં નોન-વેજ નીકળતા ધર્મભ્રષ્ટ થયાની યુવતીઓની વેદના
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી જાણીતી રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં શાકાહારી ઓર્ડર સામે માંસાહારી ખોરાક ડિલિવર થતા ગ્રાહકોની આસ્થાને ઠેસ પહોંચી છે અને તબિયત પણ લથડી છે.

અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુર ખાતે આવેલી જાણીતી ફૂડ બ્રાન્ડ 'દમસફર યુનાઈટેડ બાય બારબેક્યુ નેશન' (Dum Safar United by Barbeque Nation) ની મોટી અને અક્ષમ્ય બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં રહેતી બે યુવતીઓએ ઓનલાઈન ફૂડ એપ્લિકેશન દ્વારા શાકાહારી ભોજન માણવાના હેતુથી 'વેજ બિરયાની'નો ઓર્ડર આપ્યો હતો. પરંતુ રેસ્ટોરન્ટ સંચાલકોની ઘોર લાપરવાહીના કારણે વેજને બદલે 'નોન-વેજ બિરયાની' પેક કરીને મોકલી આપવામાં આવી હતી. આ ગંભીર ભૂલથી અજાણ રહીને યુવતીઓએ તે ભોજન ગ્રહણ કરી લેતા ખળભળાટ મચી ગયો છે અને આહાર સંબંધી શુદ્ધતા પાળતા આ ગ્રાહકો ભારે માનસિક આઘાત અનુભવી રહ્યા છે.

અજાણતા જ માંસાહાર કરી લેવાના કારણે બંને યુવતીઓની તબિયત અચાનક લથડી ગઈ હતી અને તેમને શારીરિક અસ્વસ્થતા તેમજ ઉબકા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ ગંભીર બાબતે જ્યારે રોષે ભરાયેલા ગ્રાહકોએ રેસ્ટોરન્ટના સંચાલકોનો ટેલિફોનિક કે રૂબરૂ સંપર્ક કર્યો, ત્યારે તેમની પાસેથી સંતોષકારક જવાબ મળવાને બદલે અત્યંત ઉદ્ધતાઈભર્યું વર્તન જોવા મળ્યું હતું. રેસ્ટોરન્ટના જવાબદારોએ પોતાની ભૂલ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને કોઈ પણ પ્રકારની નૈતિક જવાબદારી કે માફી માંગવાનું ટાળ્યું હતું. સંચાલકોનું આ પ્રકારનું બેજવાબદાર વલણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી અને આરોગ્ય વિભાગના નીતિ-નિયમો સામે પણ સવાલિયા નિશાન ઊભા કરે છે.

આ ઘટના બાદ સ્થાનિક ગ્રાહકો અને ફૂડ લવર્સમાં રેસ્ટોરન્ટ પ્રત્યે ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. શહેરીજનોમાં એવો સૂર ઉઠી રહ્યો છે કે જો મોટી અને નામાંકિત બ્રાન્ડ્સ આ પ્રકારે ગ્રાહકોના ધાર્મિક વિશ્વાસ અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરશે, તો સામાન્ય નાગરિકોએ કોના પર ભોરોસ મૂકવો? જાગૃત નાગરિકો અને અસંતુષ્ટ ગ્રાહકો દ્વારા હવે વહીવટી તંત્ર સમક્ષ આ મામલે કડક કાયદાકીય પગલાં લેવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય નાગરિક આ પ્રકારે ધાર્મિક અને શારીરિક આઘાતનો ભોગ ન બને.

LATEST ARTICLES