વિશ્વભરમાં ટેકનોલોજી ક્ષેત્રે મોટો હચમચાવનાર માઈક્રોસોફ્ટની સેવાઓમાં સર્જાયેલી ખામી બાદ હવે રાહતના સમાચાર મળી રહ્યા છે. કંપનીએ શુક્રવારે જણાવ્યું હતું કે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં તેની પ્રભાવિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પુનઃપ્રાપ્તિની કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવી છે અને નેટવર્ક ટ્રાફિકને ક્રમશઃ પૂર્વવત કરવામાં આવી રહ્યો છે. ભારતીય સમય અનુસાર શુક્રવારે બપોરે 4:30 વાગ્યા સુધી કંપનીના સર્વિસ હેલ્થ પેજ પર માઈક્રોસોફ્ટ 365 બિઝનેસ, એન્ટરપ્રાઈઝ અને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ માટે "સર્વિસ ડિગ્રેડેશન" એટલે કે સેવામાં ઘટાડો દર્શાવવામાં આવી રહ્યો હતો. કંપનીએ મેલબોક્સની એક્સેસમાં સુધારો અને વિલંબિત ઈમેલ પ્રોસેસિંગમાં રાહત મળી હોવાનું સ્વીકાર્યું છે, પરંતુ કેટલાક યૂઝર્સને હજુ પણ છૂટીછવાઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ ટેકનિકલ ખામી પાછળ કોઈ સાયબર હુમલો કે મેલશિયસ એક્ટિવિટી હોવાની આશંકાને માઈક્રોસોફ્ટના ઉચ્ચ અધિકારીઓએ સંપૂર્ણપણે નકારી કાઢી છે. કોપાઈલટ અને એજન્ટ્સના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ ચાર્લ્સ લામાન્ના અને માઈક્રોસોફ્ટ ઈન્ડિયા એન્ડ સાઉથ એશિયાના પ્રમુખ પુનીત ચંડોકે સ્પષ્ટ કર્યું છે કે આ ઘટના પાછળ કોઈપણ પ્રકારની મૅલિશિયસ અથવા સાયબર ગતિવિધિના કોઈ જ પુરાવા મળ્યા નથી. સિસ્ટમ પરનું ભારણ ટ્રાફિક વધવાને કારણે નહીં, પરંતુ અચાનક કેટલાક સર્વર્સ અનુપલબ્ધ થઈ જવાને કારણે સર્જાયું હતું. માઈક્રોસોફ્ટની વૈશ્વિક ટીમ આ સમસ્યાને વહેલી તકે ઉકેલવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે અને સમસ્યા સંપૂર્ણપણે હલ થયા બાદ તેનું મૂળ કારણ દર્શાવતો વિસ્તૃત રિપોર્ટ જાહેર કરવામાં આવશે.
આ વૈશ્વિક આઉટેજની અસર ભારતની કેટલીક મોટી એરલાઇન્સ કંપનીઓ પર પણ જોવા મળી હતી. ઇન્ડિગો અને આકાશા એરમાં ઈમેલ સપોર્ટ સેવાઓ પ્રભાવિત થઈ હતી, જેના કારણે ગ્રાહકોને વૈકલ્પિક માધ્યમો અથવા કોલ સેન્ટરનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી હતી. જો કે, એર ઈન્ડિયાની ફ્લાઈટ ઓપરેશન્સ અને કમ્યુનિકેશન ચેનલ્સ અબાધિત રહી હતી અને તેમણે સમયસર ઈમેલ રીરૂટ કરીને કામગીરી ચાલુ રાખી હતી. આ ટેકનિકલ ખામી મુખ્યત્વે એક્સચેન્જ ઓનલાઈન અને ઈમેલ સાથે જોડાયેલા માઈક્રોસોફ્ટ 365 ના ફીચર્સને નડી છે, જેમાં વેબ અને ડેસ્કટોપ આઉટલુક દ્વારા મેલબોક્સ એક્સેસ કરવામાં મુશ્કેલી આવી હતી. રાહતની વાત એ છે કે માઈક્રોસોફ્ટ ટીમ્સના કોલિંગ, મીટિંગ્સ અને ગ્રુપ ચેટ જેવા મુખ્ય કાર્યો રાબેતા મુજબ કાર્યરત રહ્યા છે.
