દિવાળીના આનંદ અને ઉત્સાહના માહોલ વચ્ચે જ્યાં સમગ્ર શહેરમાં ઉજવણી થઈ રહી હતી, ત્યારે જામનગરની જી.જી. હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ જનસેવા માટે ૨૪ કલાક સજ્જ રહ્યા હતા. શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા દર્દીઓની સુવિધા માટે હોસ્પિટલનો ઇમરજન્સી વોર્ડ અને ટ્રોમા સેન્ટર રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહ્યા હતા. તહેવારો દરમિયાન ફટાકડા ફોડતી વખતે દાઝી ગયેલા કે અકસ્માતનો ભોગ બનેલા દર્દીઓને ત્વરિત અને ઉત્તમ સારવાર મળી રહે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે અનેક દર્દીઓનો જીવ બચી શક્યો હતો.
આ વિશે માહિતી આપતા હોસ્પિટલના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. એસ. એસ. ચેટરજીએ જણાવ્યું હતું કે, તહેવારોના દિવસોમાં પણ હોસ્પિટલની ઓપીડી (OPD) અને કેઝ્યુઅલ્ટી વિભાગમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. રોજના સરેરાશ ૨,૦૦૦ થી ૨,૨૦૦ દર્દીઓએ અહીં આવીને નિષ્ણાત ડૉક્ટરો પાસે સારવાર મેળવી હતી. આ ઉપરાંત, ગંભીર સ્થિતિ ધરાવતા ૧૦૦ થી ૧૫૦ જેટલા દર્દીઓને દરરોજ હોસ્પિટલના વિવિધ વોર્ડમાં દાખલ કરીને તેમની વિશેષ સંભાળ રાખવામાં આવી હતી. ગાયનેક વિભાગમાં પણ અનેક સગર્ભાઓની સફળ પ્રસૂતિ કરાવી નવજાત શિશુઓને એનઆઈસીયુ (NICU) માં સુરક્ષિત સારવાર આપવામાં આવી હતી.
આ સફળ અને અવિરત સેવા પાછળ હોસ્પિટલના સમર્પિત મેડિકલ સ્ટાફની સખત મહેનત રહેલી છે. તહેવારોમાં કેટલાક કર્મચારીઓની રજાઓ હોવા છતાં, બાકીના તમામ વિભાગોના સિનિયર કન્સલ્ટન્ટ્સ, એસોસિયેટ પ્રોફેસર્સ, આસિસ્ટન્ટ પ્રોફેસર્સ તેમજ સિનિયર અને જુનિયર રેસિડેન્ટ તબીબોએ ખડેપગે રહીને ફરજ બજાવી હતી. તેમની સાથે નર્સિંગ સ્ટાફે પણ ઉત્સાહભેર સહયોગ આપીને દર્દીઓની દેખભાળ કરી હતી. મોટાભાગની ખાનગી હોસ્પિટલો તહેવારમાં બંધ હોવાના કારણે જનસામાન્ય માટે જી.જી. હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થઈ હતી અને સરકારી આરોગ્ય તંત્રની સરાહનીય કામગીરી જોવા મળી હતી.
