અમેરિકી બજારમાં મોંઘી ગાડીઓથી પરેશાન ગ્રાહકો માટે ટૂંક સમયમાં એક નવો અને સસ્તો વિકલ્પ ઉપલબ્ધ થઈ શકે છે. રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા એશિયાની જેમ અમેરિકામાં પણ નાની અને કિફાયતી ગાડીઓ ઉપલબ્ધ કરાવવાના પ્રસ્તાપ બાદ વાહન ઉદ્યોગમાં ભારે ચર્ચા જાગી છે. હાલમાં અમેરિકામાં નવી કારની સરેરાશ કિંમત ૫૨,૦૦૦ ડૉલરથી વધુ છે અને ફૂલ-સાઈઝ પિકઅપ ટ્રક તો ૬૮,૦00 ડૉલર સુધી પહોંચી ગઈ છે. આ મોંઘવારી વચ્ચે સામાન્ય નાગરિકો જેમને મોટા ભારે વાહનોની જરૂર નથી, તેમના માટે મોંઘી ગાડીઓ ખરીદવી મુશ્કેલ બની રહી છે. આ સમસ્યાના ઉકેલ રૂપે ટ્રમ્પે ફેડરલ નિયમો હળવા કરીને નાના વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની દિશામાં પહેલ કરી છે.
આ જ દિશામાં આગળ વધતા ટોયોટા કંપનીએ અમેરિકી બજાર માટે પોતાની પ્રખ્યાત જાપાનીઝ ડિઝાઈનથી પ્રેરિત 'સિયાન કેઈ-૦૧' (Scion KEI-01) મિની ટ્રક લાવવાની જાહેરાત કરી છે. આ અનોખી નાની ટ્રક માત્ર ૧૧ ફૂટ લાંબી અને ૫ ફૂટથી ઓછી પહોળી છે, જે ૬૬૦ સીસી એન્જિન સાથે ચાર-વ્હીલ ડ્રાઇવ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ધરાવે છે. આ વાહન તેના નાના કદ છતાં પાછળના ભાગમાં ૬૦૦ પાઉન્ડ વજન વહન કરવાની ક્ષમતા ધરાવે છે. કેમ્પસ, ફાર્મ કે મોટી પ્રોપર્ટીઝમાં સાધનો હેરફેર કરવા માટે આ ગાડી અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. ઇન્ડિયાનાના પ્રિન્સટન ખાતે આ વાહનના ઉત્પાદન માટે ટોયોટા ૩.૪ કરોડ ડૉલરનું રોકાણ કરવા જઈ રહી છે, જેનાથી અંદાજે ૫૦ નવા રોજગારીના અવસરો પણ ઊભા થશે.
જોકે, આ મિની ટ્રક સામાન્ય હાઈવે પર દોડતી ગાડીઓનું સ્થાન લઈ શકશે નહીં કારણ કે તે ફેડરલ લો-સ્પીડ વ્હીકલ સ્ટાન્ડર્ડ હેઠળ ડિઝાઇન કરવામાં આવી છે, જેના કારણે તેની મહત્તમ ઝડપ ૨૫ માઈલ પ્રતિ કલાક (MPH) સુધી મર્યાદિત છે. શરૂઆતના તબક્કામાં ટોયોટા આ વાહનને માત્ર ડીલરોના ચોક્કસ જૂથ દ્વારા ફ્લીટ ખરીદદારો (વ્યવસાયિક ગ્રાહકો) માટે જ ઉપલબ્ધ કરાવશે અને ભવિષ્યમાં રિટેલ વેચાણ અંગે વિચારણા કરશે. ભલે આ ગાડી રોજિંદા હાઈવે કોમ્યુટ માટે ઉપયોગી ન હોય, પરંતુ ટ્રમ્પનું આ સ્વપ્ન અને ટોયોટાનો આ પ્રયોગ ઓટોમોબાઈલ ઉદ્યોગમાં ભવિષ્યની સસ્તી અને કોમ્પેક્ટ ગાડીઓ માટેના દ્વાર ચોક્કસપણે ખોલી રહ્યો છે.
