પશ્વિમ એશિયાના રાજકારણમાં હાલ મોટી ઉથલપાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અત્યાર સુધી દરેક મોરચે એકબીજાના કટ્ટર સમર્થક અને સાથીદાર તરીકે ઓળખાતા અમેરિકા અને ઈઝરાયલના સર્વોચ્ચ નેતૃત્વ વચ્ચે તિરાડ પડી હોવાના અહેવાલો સામે આવ્યા છે. વિશ્વભરમાં ચર્ચાનો વિષય બનેલી આ ઘટનામાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે થોડા દિવસો પહેલાં ટેલિફોનિક વાતચીત થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કોલ દરમિયાન ઈરાન સામે અપનાવવાની થતી આગામી રણનીતિને લઈને બંને નેતાઓ વચ્ચે ભારે મથામણ અને ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેને આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં અત્યંત તણાવપૂર્ણ ગણાવવામાં આવી રહી છે.
ઈઝરાયલી મીડિયા 'વાયનેટ'ના દાવા મુજબ, આ ફોન કોલ પર બંને નેતાઓ એટલા હદે આક્રમક બન્યા હતા કે સૂત્રો દ્વારા તેને 'શાઉટિંગ મેચ ફ્રોમ હેલ' એટલે કે નરક સમાન બૂમાબૂમ ગણાવવામાં આવી છે. નેતન્યાહૂ દ્વારા સતત કરવામાં આવતા લશ્કરી દબાણ અને આક્રમક વલણથી ટ્રમ્પ નારાજ હોવાનું કહેવાય છે, જ્યારે બીજી બાજુ નેતન્યાહૂ પોતાના મક્કમ સ્ટેન્ડ પર અડગ રહ્યા હતા. જોકે, આ વિવાદાસ્પદ અહેવાલો સામે આવતા જ ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે તાત્કાલિક ધોરણે પ્રતિક્રિયા આપીને આ તમામ દાવાઓને સદંતર નકારી કાઢ્યા છે અને તેને સંપૂર્ણપણે બકવાસ ગણાવ્યા છે. તેમ છતાં, આ વિગતો લીક થવાથી કૂટનીતિક ક્ષેત્રે મોટો ખળભળાટ મચી ગયો છે.
આ સમગ્ર વિવાદ પાછળનું મૂળ કારણ ઈરાન પ્રત્યે બંને દેશોનો તદ્દન વિરોધાભાસી અભિગમ હોવાનું માનવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ હવે વધુ પડતા સંઘર્ષને ટાળીને સાવચેતીપૂર્વક આગળ વધવા અને રાજદ્વારી વાતચીતના માધ્યમથી વિવાદ ઉકેલવાના પક્ષમાં છે, જ્યારે નેતન્યાહૂ કોઈપણ પ્રકારના સમાધાન કે નરમાઈના મૂડમાં નથી. તેઓ ઈરાન પર આક્રમક હુમલા કરીને ત્યાંની વર્તમાન સત્તાને જડમૂળથી ઉખેડી નાખવા માંગે છે. ગત 10 નવેમ્બરે સંસદના શપથ ગ્રહણ સમારોહમાં પણ નેતન્યાહૂએ ઈરાનની સત્તા પરિવર્તનને અસ્તિત્વની લડાઈ ગણાવી હતી, જે સ્પષ્ટ કરે છે કે આગામી સમયમાં વૈશ્વિક રાજકારણમાં આ મુદ્દો વધુ ગરમાઈ શકે છે.
