અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પવિત્ર સ્થળોના દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારની મીની બસના ચાલકને અચાનક ગંભીર હાર્ટ અટેક આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદનો ચૌહાણ પરિવાર મીની બસ ભાડે કરીને સાળંગપુર અને ભાવનગર ખાતે દર્શનાર્થે ગયો હતો. દર્શન પૂર્ણ કરી આ પરિવાર પોતાના વતન અમદાવાદ પરત ફરી રહ્યો હતો, ત્યારે ધંધુકા પાસેથી પસાર થતી વેળાએ મીની બસના ચાલક વિજય ઠાકોરને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. અચાનક તબિયત લથડવા અને ગંભીર હાર્ટ અટેક આવવાને કારણે ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો.
સ્ટિયરિંગ પરથી કાબૂ છૂટી જવાથી પૂરઝડપે દોડતી મીની બસ સીધી જ રોડની બાજુમાં આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટની અંદર ધસી ગઈ હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે ભાગદોડ અને ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ભયાનક અકસ્માતને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને બેભાન થઈ ગયેલા ચાલક વિજય ઠાકોરને ત્વરિત સારવાર માટે ધંધુકાની સરકારી હોસ્પિટલ (SDH) ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા, જેના કારણે પરિવાર અને સહકર્મીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
આ ગંભીર અકસ્માતમાં સદનસીબે બસમાં સવાર ચૌહાણ પરિવારના તમામ સભ્યો તેમજ હોટલમાં હાજર અન્ય કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજા કે જાનહાની પહોંચી ન હતી, અને સમયસૂચકતા તથા નસીબ જોગે મોટો અનર્થ ટળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ધંધુકા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસે આ મા અંગે ગુનો નોંધીને કાયદેસરની આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
