JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

ઇસરોની મોટી વ્યાપારી અને વૈજ્ઞાનિક જીત, મોડિફાઇડ PSLV રોકેટના ત્રીજા સ્ટેજનું પરીક્ષણ સફળ

| By JAMNAGAR MIRROR
ઇસરોની મોટી વ્યાપારી અને વૈજ્ઞાનિક જીત, મોડિફાઇડ PSLV રોકેટના ત્રીજા સ્ટેજનું પરીક્ષણ સફળ
ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો)એ શ્રીહરીકોટા ખાતે પોતાના સૌથી ભરોસાલાયક પીએસએલવી રોકેટના સંશોધિત ત્રીજા ચરણનું સફળ ગ્રાઉન્ડ સ્ટેટિક ટેસ્ટ પૂર્ણ કર્યું છે. અગાઉના મિશનોમાં આવેલી ટેક્નિકલ ખામીઓને દૂર કરીને ઇસરોએ ફરી એકવાર પોતાની સ્પેસ ટેકનોલોજીની મજબૂતાઈ સાબિત કરી છે.

બેંગ્લુરૂ સ્થિત ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો) દ્વારા તાજેતરમાં લેવાયેલું આ પગલું ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની વિશ્વસનીયતા પુનઃ સ્થાપિત કરવા માટે અત્યંત સીમાચિહ્નરૂપ સાબિત થયું છે. ગુરૂવારે સત્તાવાર જાહેરાત કરતા ઇસરોએ જણાવ્યું હતું કે, શ્રીહરીકોટા સ્થિત સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રમાં PSLV રોકેટના મોડિફાઇડ ત્રીજા ચરણનું ગ્રાઉન્ડ સ્ટેટિક પરીક્ષણ સંપૂર્ણપણે સફળ રહ્યું છે. આ સફળતાથી વૈજ્ઞાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રોકેટની આગામી ઉડાન માટેનો રસ્તો વધુ મજબૂત બન્યો છે.

અગાઉના સમયગાળામાં પીએસએલવી (પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ) રોકેટના ત્રીજા ચરણમાં સર્જાયેલી તકનીકી ખામીઓના કારણે ઇસરોને સતત બે મોટા ઝટકા સહન કરવા પડ્યા હતા. મે ૨૦૨૫માં પીએસએલવી સી ૬૧ ઇઓએસ ૦૯ અને જાન્યુઆરી ૨૦૨૬માં પીએસએલવી સી ૬૨ ઇઓએસ એન ૧ મિશન અસફળ નીવડ્યા હતા, જેના કારણે આ ભરોસાલાયક રોકેટની શાખ પર સવાલો ઉભા થયા હતા. આ બંને નિષ્ફળતાઓને ગંભીરતાથી લઈને ઇસરોની ટેક્નિકલ ટીમે આખી સિસ્ટમની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવાનું નક્કી કર્યું હતું.

આવનારી ઉડાનોને વધુ સુરક્ષિત અને અચૂક બનાવવા માટે ઇસરોના નિષ્ણાતોએ રોકેટના ડિઝાઇન માર્જિન, કાચા માલની ગુણવત્તા, એસેમ્બલી પ્રક્રિયા તેમજ તપાસના ધોરણોમાં આમૂલ ફેરફારો કર્યા હતા અને પીએસ-૩ સોલિડ મોટરમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા હતા. પીએસએલવી લાંબા સમયથી ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની કરોડરજ્જુ સમાન રહ્યું છે, અને આ નવાં સંશોધનો તથા સફળ પરીક્ષણથી વૈશ્વિક સ્તરે ભારતની સ્પેસ ક્ષમતામાં વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે.

LATEST ARTICLES