નવી દિલ્હી ખાતે યોજાયેલા 9મા વાર્ષિક ફૂડ સિસ્ટમ્સ ડાયલોગમાં મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને મહત્ત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે આગામી સમયમાં સપ્લાય-સાઇડના પડકારો સામે માત્ર વ્યાજદર વધારવા જેવી પરંપરાગત નાણાકીય નીતિઓ મોંઘવારી ડામવામાં બિનઅસરકારક સાબિત થઈ શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને પશ્ચિમ એશિયાના કટોકટીભર્યા માહોલને કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા અને ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે અમેરિકન ફેડરલ રિઝર્વ સહિતની દુનિયાભરની મધ્યસ્થ બેંકોએ વ્યાજદરમાં વધારો કર્યો છે, પરંતુ આર્થિક નિષ્ણાતોના મતે સપ્લાય જનિત સમસ્યાઓ સામે કેવળ વ્યાજદર વધારવાનો ઉપાય ઉલટો નુકસાનકારક પણ બની શકે છે.
આગામી ૨૫ થી ૩૦ વર્ષો સુધી વૈશ્વિક સ્તરે સપ્લાય શૉક્સનું પ્રમાણ પ્રભુત્વ ધરાવતું રહેશે તેવી આશંકા વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે દેશો દ્વારા સપ્લાય ચેઈનને હથિયાર તરીકે વાપરવામાં આવી રહી છે અને દરિયાઈ માર્ગો તથા મુખ્ય વ્યાપારી માર્ગો પર અંકુશ મૂકવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં માત્ર વ્યાજદર વધારવા કે ઘટાડવાથી આ વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ લાવવો અશક્ય છે. ભારતમાં પણ રિઝર્વ બેંકે ફુગાવાને કાબૂમાં લેવા માટે રેપોરેટમાં વધારો કરવો પડ્યો છે અને રિટેલ ફુગાવો મધ્યસ્થ બેંકની સહનશીલતાની મર્યાદા પાર કરી ગયો છે. આ પડકારજનક પરિસ્થિતિમાં વિશ્વના તમામ દેશોએ ફુગાવાને લક્ષ્યાંકિત કરવાના માળખામાં કઠોર રહેવાને બદલે વ્યવહારુ અને સર્જનાત્મક છૂટછાટો અપનાવવી અનિવાર્ય બનશે.
આગામી સમયમાં આર્થિક વિકાસની રણનીતિ અંગે વાત કરતા તેમણે કૃષિ ક્ષેત્રને ફરી એકવાર આર્થિક વૃદ્ધિના મુખ્ય ઇજિન તરીકે સ્થાપિત કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. બીજી તરફ, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) ના ઝડપી પ્રસાર અને વિદેશોમાં ઇમિગ્રેશન પર લાગુ થઈ રહેલા કડક પ્રતિબંધોને કારણે સર્વિસ સેક્ટરમાં રોજગારીનું સર્જન મંદ પડી શકે તેવી ચેતવણી પણ તેમણે ઉચ્ચારી હતી. આ તમામ આર્થિક બદલાવ વચ્ચે દેશોએ માત્ર નાણાકીય નીતિઓ પર આધાર રાખવાને બદલે સંતુલિત રાજકોષીય પગલાં અને કૃષિ આધારિત આર્થિક સુધારાઓ તરફ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
