JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

દિવાળી બાદ મોંઘવારીનો મોટો ઝટકો: રીટેઈલ ફુગાવો ૬.૦૯ ટકા સાથે બે વર્ષની ટોચે

| By JAMNAGAR MIRROR
દિવાળી બાદ મોંઘવારીનો મોટો ઝટકો: રીટેઈલ ફુગાવો ૬.૦૯ ટકા સાથે બે વર્ષની ટોચે
દિવાળીના તહેવારો પૂર્ણ થતાં જ સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે, જ્યાં ખાદ્યચીજોના ભારે વધારાને કારણે રીટેઈલ ફુગાવો રિઝર્વ બેન્કના નિર્ધારિત લક્ષ્યાંકને વટાવીને ૬.૦૯ ટકાની બે વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે.

નવા સંવંત વર્ષના પ્રારંભે જ અર્થવ્યવસ્થા મોરચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જેમાં ઓક્ટોબર મહિના દરમિયાન દેશનો રીટેઈલ ફુગાવો વધીને ૬.૦૯ ટકા પર પહોંચી ગયો છે. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં આ ફુગાવો ૫.૫ ટકા હતો, જે હવે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા નિર્ધારિત ૬ ટકાના સહનસીમાના ટારગેટને પાર કરી ગયો છે. ખાસ કરીને રિઝર્વ બેન્કના ૪ ટકાના મધ્યમ ગાળાના લક્ષ્યાંક કરતા ફુગાવાનો દર સતત પાંચમા મહિને ઊંચો રહ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં કેન્દ્રીય બેન્ક દ્વારા વ્યાજદરોમાં વધારો કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના સેવાઈ રહી છે.

આ વધતા ફુગાવા પાછળ મુખ્યત્વે ખાદ્યચીજોના ભાવોમાં થયેલો તોતિંગ વધારો જવાબદાર છે. સપ્ટેમ્બરના ૭.૭ ટકા સામે ઓક્ટોબરમાં ખાદ્ય ફુગાવો વધીને ૮.૯ ટકાની સપાટીએ પહોંચ્યો છે. બજારમાં ડુંગળીના ભાવમાં એક જ ઝાટકે ૪૮ ટકાનો જંગી વધારો નોંધાયો છે અને ૧૨માંથી ૧૧ ખાદ્ય શ્રેણીની ચીજવસ્તુઓ મોંઘી બનતી જોવા મળી છે. જોકે, રાહતની વાત એટલી છે કે બટેટા, ફલાવર, રિંગણા અને કોબીજ જેવા કેટલાક શાકભાજીના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે, છતાં દૂધ, ખાંડ અને ડુંગળી જેવા મુખ્ય ખાદ્ય પદાર્થોના સતત ઊંચા ભાવોએ સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવી નાખ્યું છે.

દેશના ૧૦ જેટલા રાજ્યોમાં ફુગાવાનો દર સાત ટકાથી પણ વધુ નોંધાયો છે, જેમાં તામિલનાડુ અને તેલંગણામાં ૭.૩ ટકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ફુગાવાનો દર ૬.૬ ટકા સુધી પહોંચ્યો છે, જે શહેરો કરતા વધારે છે. અર્થશાસ્ત્રીઓના મતે આગામી નવેમ્બર મહિનામાં પણ ફુગાવાનું આ ઊંચું દબાણ જળવાઈ રહેશે. એફએમસીજી કંપનીઓ દ્વારા પ્રોડક્ટ્સના ભાવ વધારવાની શક્યતા ઉપરાંત મોબાઈલ, ટીવી, વાહનો અને આરોગ્ય ક્ષેત્રે પણ મોંઘવારીનો બોજ વધી શકે છે, જ્યારે ઈંધણના ઊંચા ભાવોને કારણે ટ્રાન્સપોર્ટ અને રેસ્ટોરાં જેવા ક્ષેત્રો પર પણ આર્થિક દબાણ યથાવત રહ્યું છે.

LATEST ARTICLES