JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગરના પ્રખ્યાત બજરંગ ઢોસા સેન્ટરની ચટણીમાંથી નીકળ્યો તળેલો વંદો, ફૂડ શાખાએ 3 દિવસ માટે વેચાણ બંધ કરાવ્યું

| By JAMNAGAR MIRROR
જામનગરના પ્રખ્યાત બજરંગ ઢોસા સેન્ટરની ચટણીમાંથી નીકળ્યો તળેલો વંદો, ફૂડ શાખાએ 3 દિવસ માટે વેચાણ બંધ કરાવ્યું
જામનગરમાં ગ્રાહકની ચટણીમાંથી તળેલો વંદો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. મહાનગરપાલિકાની ફૂડ શાખાએ તાત્કાલિક કાર્યવાહી કરીને ખાણીપીણીની આ દુકાનનું વેચાણ ત્રણ દિવસ માટે સ્થગિત કરી દીધું છે.

જામનગરના પોશ વિસ્તાર ગણાતા પટેલ કોલોનીમાં આવેલું લોકપ્રિય બજરંગ ઢોસા સેન્ટર હાલમાં ગંભીર બેદરકારીના કારણે વિવાદોમાં સપડાયું છે. ગત સાંજે ડો. ભાવેશ વ્યાસ પોતાના પરિવાર સાથે આ સેન્ટરમાં સ્વાદિષ્ટ ભોજન માણવા પહોંચ્યા હતા અને તેમણે ઘી પોડી ઢોસો ઓર્ડર કર્યો હતો. પરિવાર આનંદથી જમી રહ્યો હતો પરંતુ અડધો ઢોસો ખાધા બાદ અચાનક ચટણીની વાટકીમાં નજર પડતા સૌ કોઈ ચોંકી ઊઠ્યા હતા, કારણ કે ચટણીની અંદર એક તળેલો વંદો સ્પષ્ટપણે તરતો જોવા મળ્યો હતો. આ ગંભીર પ્રકારની બેદરકારી સામે આવતા ગ્રાહકે તાત્કાલિક સંચાલકો સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો, જોકે શરૂઆતમાં માલિક દ્વારા આ બાબતે યોગ્ય જવાબદારી સ્વીકારવામાં ટલ્લાબાજી કરવામાં આવી હતી. આ ઘટનાએ બહાર ખાણીપીણીની ચીજવસ્તુઓ ખાતા શોખીનોમાં ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા સામે મોટો સવાલ ઊભો કર્યો છે.

આ મામલે ગ્રાહક દ્વારા જામનગર મહાનગરપાલિકાના તંત્રને જાણ કરવામાં આવતા ફૂડ શાખાના અધિકારી નિલેશ જાસોલીયા અને FSOની ટીમ તુરંત હરકતમાં આવી ગઈ હતી. ફૂડ વિભાગની ટીમે બજરંગ ઢોસા સેન્ટર પર પહોંચીને સઘન તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભલે તે સમયે રસોડામાં કોઈ જીવજંતુ નજરે પડ્યા નહોતા, પરંતુ FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) દ્વારા નિર્ધારિત સ્વચ્છતાના ધોરણો અને નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં રાખીને FoSCoS પોર્ટલ પર આ સમગ્ર તપાસની સત્તાવાર નોંધ કરવામાં આવી છે અને આગામી સમયમાં પેઢીના સંચાલકોને કાયદેસરની ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

હાલ પૂરતું ફૂડ શાખા દ્વારા કોઈ આર્થિક દંડ ફટકારવામાં આવ્યો નથી, પરંતુ સંચાલકોને કડક સૂચનાઓ આપવામાં આવી છે કે આગામી ત્રણ દિવસ સુધી પેઢીનું વેચાણ સંપૂર્ણપણે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન સંચાલકોએ તમામ સ્ટાફના મેડિકલ ફિટનેસ રિપોર્ટ, પેસ્ટ કંટ્રોલની કામગીરીના દસ્તાવેજો તેમજ પીવાના પાણીના શુદ્ધતાના રિપોર્ટ સહિતના તમામ જરૂરી દસ્તાવેજો ફૂડ શાખા સમક્ષ રજૂ કરવા પડશે. આ તમામ દસ્તાવેજોની પૂર્તતા થયા બાદ ફૂડ વિભાગ દ્વારા ફરીથી સ્થળ તપાસ કરવામાં આવશે અને જો નિયમોનું સંપૂર્ણ પાલન થતું જણાશે તો જ આ સેન્ટરને ફરીથી ગ્રાહકો માટે ખોલવાની પરવાનગી આપવામાં આવશે. આ ઘટના બાદ નાગરિકોમાં બહારનું ખાણું ખાતી વખતે વ્યાપક સાવચેતી રાખવાની જાગૃતિ ફેલાઈ છે.

LATEST ARTICLES